Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોનાના ખાતમા માટે યુએસની બે કંપનીઓ ટેબ્લેટ તૈયાર કરે છે

કોરોનાન કપરા કાળમાં રાહતના સમાચાર : કંપનીઓ દ્વારા ટેબ્લેટ ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે, ટેબ્લેટની હાલ અસર કોરોના વિરુદ્ધ જોવા મળી રહી છે

વોશિંગ્ટન, તા. ૨૨  :દુનિયાભરમાં કોવિડ-૧૯ મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારી શરૂ થઈ ત્યારથી જ ભારત સહિતના અનેક દેશોએ રસી બનાવવાનું કામ શરૂ કર્યુ છે, જેમાં ભારતની સ્વદેશી બે રસી ઉપરાંત અન્ય દેશોમાં પણ રસીનું નિર્માણ કરાયું છે, જેમાં અમેરિકા, રશિયા વગેરે સામેલ છે, જેમાં જોહન્સન એન્ડ જોહન્સન સિવાય મોટા ભાગની રસી ઈન્જેક્શન દ્વારા લઈ શકાય એવી છે. જ્યારે જોહન્સન એન્ડ જોહન્સનની રસી નાકમાં સ્પ્રે દ્વારા લેવાની રહેશે, જેની હજુ ટ્રાયલ ચાલી રહી છે અને બજારમાં આવી નથી. એવામાં અન્ય એક રાહતના સમાચાર એ છે કે અમેરિકાની બે કંપની મળીને ટેબ્લેટ સ્વરૂપે કોવિડ-૧૯નો ખાતમો કરવાની કોશિશ કરી રહી છે. આ બંને કંપનીઓ છે- રિજબેક બાયોથેરાપ્યુટિક અને મર્ક.

આ કંપનીઓએ ટેબ્લેટ બનાવી છે અને એની ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. રસપ્રદ એ છે કે આ ટેબ્લેટની હાલ તો ધારી અસર કોરોનાવાયરસ વિરુદ્ધ જોવા મળી રહી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ ટેબ્લેટનાં પોઝિટિવ પરિણામો જોવા મળી રહ્યાં છે. ટૂંક સમયમાં ઈન્જેક્શનના બદલે મોંએથી ગળવાની આ ટેબ્લેટની હ્યુમન ટ્રાયલ્સ પણ શરૂ થશે.

અમેરિકન એપિડેમિયોલોજિસ્ટ ડો. જિલ રોબર્ટ્સે ટેબ્લેટ સ્વરૂપે લેવાની આ દવા વિશે કહ્યું હતું કે જો પરિણામો તમામ સ્તરે પાર ઊતરશે તો નજીકના ભવિષ્યમાં કોરોનાવાયરસનો ખાતમો કરી શકાશે. જો કે આ દિશામાં હજુ ઘણું કામ બાકી છે. તેમણે દાવો કર્યો હતો કે આ ટેબ્લેટ કોરોનાવાયરસને નાથી શકશે તો એને કારણે હોસ્પિટલાઈઝેશન તથા મોતને ટાળી શકાશે અને વાયરસનો ફેલાવો પણ અટકાવી શકાશે. જોકે હજુ આ ટેબ્લેટ ક્યારે ઉપલબ્ધ થશે એ વિશે તેઓ નિશ્ચિત કંઈ કહી શક્યા નહોતા.

ડો. જિલ રોબર્ટ્સના કહેવાપ્રમાણે, જે લોકો રસી માટે ઈન્જેક્શન લેવા માગતાં નથી અને જ્યાં રસી ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યાં લોકોને આ ટેબ્લેટ મોલનુપિરાવિરથી રાહત મળી શકશે. બીજી સારી વાત એ છે કે આ ટેબ્લેટ વાયરસને શરીરમાં પોતાની પ્રતિકૃતિઓ એટલે કે રેપ્લિકેશન કરતાં અટકાવે છે.

રિજબેક બાયોથેરાપ્યુટિક્સના ચીફ મેડિકલ ઓફિસર ડો. વેન્ડી પેન્ટરે કહ્યું હતું, "અમને ટેબ્લેટ મોલનુપિરાવિર સ્વરૂપની આ એન્ટી-વાઇરલ ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પ્રારંભિક પોઝિટિવ પરિણામોથી ખુશી છે. આ ટેબ્લેટ વાયરસને ફેલાતાં અટકાવી શકશે. જોકે હજુ આ દિશામાં ઘણું કામ અને અભ્યાસ બાકી છે." ડો. વેન્ડી પેન્ટરના કહેવા પ્રમાણે, આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં કોવિડ-૧૯નો તોડ કાઢવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ ટેબ્લેટ કદાચ આશીર્વાદરૂપ બની રહેશે. આ દવાનું માનવો પર પરીક્ષણ આગળના સમયમાં થશે, જેના પછી એ કેટલી વાસ્તવમાં અસરકારક અને સુરક્ષિત છે એ નક્કી થઈ શકશે.

ટેબ્લેટ મોલનુપિરાવિરનાં હકારાત્મક પરિણામોના સમાચાર અંગે ભારતના ઉદ્યોગપતિ હર્ષ ગોએક્નાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે જો આ ટેબ્લેટ કારગત નીવડશે તો એ સમગ્ર દુનિયા માટે આશીર્વાદરૂપ બનશે. જો તમામ પરીક્ષણોમાં આ ટેબ્લેટ મોલનુપિરાવિર પાર ઊતરશે તો શક્ય છે કે ૨૦૨૧ના અંત સુધીમાં કોવિડ-૧૯નો ખાતમો થઈ જાય.

(8:04 pm IST)