Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ચીન ફરી એક વાર પોતાના નપાક ઇરાદો સામે આવ્‍યો : ગેરકાયદે કબજા હેઠળ પેંગોંગ તળાવ પર બનાવી રહ્યું છે બીજો પુલ

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય દેશો ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે: અરિંદમ બાગચી

નવી દિલ્હી: ભારતીય વિદેશ મંત્રાલય એ પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવ પર ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા બીજા પુલ ને લગતા મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને પુલ 1960ના દાયકાથી ચીનના ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારોમાં છે. અમે અમારા પ્રદેશ પરના આવા ગેરકાયદેસર કબજાને ક્યારેય સ્વીકાર્યું નથી, કે અમે ગેરવાજબી ચીની દાવાઓ અથવા આવી બાંધકામ પ્રવૃત્તિઓને સ્વીકારી નથી.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારે અનેક પ્રસંગોએ સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય દેશો ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દેશની સુરક્ષાના હિતમાં, ખાસ કરીને 2014 થી, સરહદી માળખાના વિકાસ માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. આવા કામોમાં રોડ અને પુલ બનાવવાનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર ભારતની વ્યૂહાત્મક અને સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતની સુરક્ષાને અસર કરતા તમામ વિકાસ પર સરકાર સતત નજર રાખે છે.

આ પહેલા ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, અમે પુલ સાથે જોડાયેલા સમાચાર જોયા છે. તે સૈન્ય સાથે સંબંધિત મુદ્દો છે…અમે તેને (ચીન) ના કબજા હેઠળનો વિસ્તાર માનીએ છીએ. સંરક્ષણ મંત્રાલય આ અંગે વિગતવાર ટિપ્પણી કરી શકશે.

અમે આ વિકાસ પર નજર રાખીએ છીએ. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે પેંગોંગ ત્સો વિસ્તારમાં બીજો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે કે પહેલા બ્રિજ પર જ તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

(12:43 pm IST)