Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ઉધ્ધવ સરકારે લીધો મોટો નિર્ણય

મહારાષ્ટ્રમાં CBIને મંજુરી વગર 'નો એન્ટ્રી'

મુંબઇ,તા. ૨૨: સીબીઆઈએ હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ કેસની તપાસ પહેલા રાજય સરકાર પાસે મંજૂરી લેવી પડશે. રાજય સરકારે તપાસ માટે સીબીઆઈને આપેલી સામાન્ય સહમતિ પાછી લઈ લીધી છે. જેના કારણે હવે મહારાષ્ટ્રમાં દરેક કેસની તપાસ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ રાજય પાસેથી મંજૂરી લેવી પડશે. ઉદ્ઘવ ઠાકરે સરકારના આ પગલાંથી કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે દ્યર્ષણ વધવાની આશંકા છે.

મહારાષ્ટ્ર સરકારે દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાનના સભ્યોને એક કાયદા હેઠળ રાજયમાં શકિતઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગની સહમતિને પાછી ખેંચવા સંબંધિત આદેશ બુધવારે બહાર પાડ્યો. ત્યારબાદ સીબીઆઈને હવે રાજયમાં શકિતઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગ માટે સામાન્ય સહમતિ નહીં રહે. જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૨ ફેબ્રુઆરી ૧૯૮૯ના રોજ બહાર પાડવામાં આવેલા એક આદેશ હેઠળ અપાઈ હતી. આથી હવે કોઈ પણ કેસની તપાસ માટે રાજય સરકારની મંજૂરી લેવી પડશે.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની સીધી અસર સૌથી પહેલા સીબીઆઈ દ્વારા ટીઆરપી કૌભાંડમાં નોંધાયેલી FIR પર પડી શકે છે. ટીઆરપી કૌભાંડને લઈને લખનઉમાં નોંધાયેલી ફરિયાદની તપાસ હવે સીબીઆઈ કરશે. પરંતુ સીબીઆઈએ જો મહારાષ્ટ્રમાં કોઈ પણ રેડ કે કાર્યવાહી કરવાની હશે તો હવે તેણે રાજય સરકારની મંજૂરી લેવી જરૂરી રહેશે. મળતી માહિતી મુજબ આ કેસમાં પહેલા લખનઉમાં એક જાહેરાત કંપનીના પ્રમોટરની ફરિયાદ પર કેસ દાખલ થયો હતો. જે યુપી સરકારે સીબીઆઈને સોંપી દીધો. નોંધનીય છે કે TRP કાંડનો ખુલાસો મુંબઈ પોલીસે કર્યો હતો અને તેની તપાસ માટે અનેક લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

(11:20 am IST)