Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સરકાર તિજોરી ભરવા જમીનો વેંચશે

રેલ્વે- સંરક્ષણ - બીએસએનએલ સહિતના વિભાગોની ફાજલ જમીનો વેંચી નાણા એકઠા કરવા તૈયારીઃ રેલ્વે અને સંરક્ષણ મંત્રાલય પાસે દેશમાં સૌથી વધુ સરકારી જમીન છે : જમીનો વેંચી કરોડોની કમાણી કરાશે

નવી દિલ્હી,તા. ૨૨: કેન્દ્ર સરકાર હવે ટુંક સમયમાં જ કેટલાય મોટા મંત્રાલયોની ખાલી પડેલી વધારાની જમીનમાંથી પૈસા ઉભા કરવાની તૈયારી કરી રહી છે. માહિતી અનુસાર, જે મંત્રાલયો અને વિભાગોની જમીનના રોકડા કરવાના છે. તેમાં રેલ્વે, ટેલીકોમ્યુનીકેશન્સ અને સંરક્ષણ મંત્રાલય સામેલ છે. આ જમીનો પર સંસધાનો દ્વારા સરકાર દેશભરમાં નવા ઇન્ફ્રાસ્ટ્રકચરો ઉભા કરવાની યોજના બનાવી રહી છે.

સુત્રોનું કહેવું છે કે ઘણા મંત્રાલયોએ વધારાની જમીનની માહિતી એકઠી કરીને તેના પર કોમર્શીયલ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની યોજનાને મંજુરી પણ આપી દીધી છે. જેથી તેમાંથી સરકારને આવક થઇ શકે. સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં સરકારી સંપતિઓના રોકડા કરવા પર ભાર મુકાયો હતો જેથી વર્તમાન સંસાધનોનો બહેતર ઉપયોગ કરી શકાય.

અધિકારીએ જણાવ્યું કે રેલ્વે અને સંરક્ષણ મંત્રાલય પોતાની વધારાની ભૂ-સંપતિના રોકડા ઉભા કરવાની યોજના તૈયાર કરવાના છે. આ મંત્રાલયોએ સમીક્ષા કરી છે અને તે અંગે વિસ્તૃત ચર્ચા પણ થઇ છે. સરકારી કંપનીઓમાં બીએસએનએલ આવી યોજના સાથે આગળ વધી રહ્યું છે જેથી ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં મદદ મળશે.

જણાવી દઇએ કે રેલ્વે અને સંરક્ષણ મંત્રાલય દેશમાં સૌથી મોટા સરકારી જમીનોના માલિક છે. હાલના સરકારી આંકડાઓ અનુસાર રેલ્વે પાસે અત્યારે ૪.૭૮ લાખ હેકટર (૧૧.૮૦ લાખ એકર) સાથી સંસ્થાઓના કામમાં આવી રહી છે. જ્યારે ૫૧ હજાર હેકટર (૧.૨૫ લાખ /એકર) જમીન એમ ને એમ પડી છે. તો સંરક્ષણ મંત્રાલય પાસેથી સૌથી વધારે ૧૭.૯૫ લાખ એકટ જમીન છે. તેમાંથી ૧.૬ લાખ એકર જમીન ૬૨ કેન્ટોનમેન્ટ ઝોનમાં છે. જ્યારે ૧૬.૩૫ લાખ એકર જમીન કેન્ટોનમેન્ટની બહાર છે. સંરક્ષણ મંત્રાલયે પણ તેના મુદ્રીકરણ માટે સમીક્ષા શરૂ કરી છે. તેને સરકારી કંપનીઓ સાથે ભાગીદારીમાં પુરૂ કરાશે.

(10:35 am IST)