Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિશ્વમાં આ ખર્ચ સૌથી વધુ છે

લ્યો બોલો... ભારત અને પાકિસ્તાનના લોકો પેટ્રોલ-ડિઝલ પાછળ ખર્ચતા આવકનો ૧૦મો ભાગ

નવી દિલ્હી,તા. ૨૨: એપ્રિલમાં ક્રૂડ ઓઇલના ભાવ કડડડભૂસ થઇ ગયા હતા, છતાં ભારતમાં કેન્દ્ર સરકારની એકસાઇડ ડયૂટીમાં વધારો કરવાને કારણે પેટ્રોલના ભાવમાં કોઇ ઘટાડો થયો ન હતો. હવે જયારે કોવિડ ૧૯ પહેલાંના સમય જેટલું જ પેટ્રોલ-ડીઝલની ખપત થઇ રહી છે, ત્યારે સરકાર તેના વેચાણમાંથી મોટી આવક મેળવી રહી છે.

ભારતીય નાગરિક જ નહીં પણ સરેરાશ પાકિસ્તાની નાગરિક પણ તેની આવકનો ૧૭ ટકા હિસ્સો ફ્યૂઅલ પાછળ જ ખર્ચે છે. વિશ્વમાં એ ખર્ચ સૌથી વધુ છે. ખનિજ તેલના ભાવમાં ગયા વર્ષે ઘણો ઘટાડો થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરનારા વિશ્વના કેટલાક દેશોમાં ભારત પણ સામેલ છે.  ભારતમાં પેટ્રોલની ખપત સપ્ટેમ્બરમાં કોવિડના સમય પહેલાંના સમય જેટલી થઇ ગઇ છે. એપ્રિલમાં કોરોનાને કારણે લોકડાઉન થવાને કારણે પેટ્રોલ-ડીઝલની ખપત સાવ ઘટી ગઇ હતી.

ઓકટોબરમાં ક્રૂડનો ભાવ નાણાકીય વર્ષ ૨૧ના શરૂઆતમાં હતો તેના કરતાં ૪૨ ટકા નીચો છે, જયારે પેટ્રોલના ભાવમાં એ જ સમયગાળામાં ૧૨ ટકાનો વધારો થયો છે.

એપ્રિલથી જૂન ૨૦૨૦માં પેટ્રોલના ભાવમાં વધારો એ સમયગાળામાં ફકત આઠ જ દેશોમાં થયો છે. ફકત ભારત અને ઇજિપ્તમાં એ વધારો ૧૦ ટકા જેટલો થયો છે. સરેરાશ ભારતીય અને એ જ રીતે પાકિસ્તાની નાગરિક તેમના દિવસની આવકનો ૧૭ ટકા હિસ્સો પેટ્રોલ-ડીઝલ જેવા બળતણની ખરીદી પાછળ ખર્ચે છે. અન્ય ૫૭ ઇકોનોમીમાં કોઇ પણ નાગરિક એટલો ખર્ચ કરતો નથી.

(11:26 am IST)