Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સાસણ વચ્ચેથી પસાર થતી રેલ્વે લાઇન જ ઉખાડી ફેંકોઃ એ.કે.શર્મા

'સિંહોની છાતી પર રેલ્વે-લાઇન પહોળી થશે'... 'અકિલા'ના અહેવાલના સમર્થનમાં આવી સજ્જડ વિરોધ નોંધાવતા નિવૃત્ત ચીફ પ્રીન્સીપલ કોન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ : વર્ષો પહેલા મીટરગેજને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવા લેવાયેલ સૈધ્ધાંતિક નિર્ણય જુદી-જુદી રેલ્વેલાઇનો આસપાસના શહેરો-ટાઉનના : ઔદ્યોગીક અને વ્યાપારીક વિકાસ માટે યોગ્ય હશે પણ તાજેતરમાં થયેલો ઠરાવ સિંહોના સંરક્ષણ માટે ઘાતકી સાબીત થશેઃ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં થયેલો ઠરાવ અનુચીતઃ સાસણમાં રોડ નેટવર્ક સરળતાથી ઉપલબ્ધ છેઃ...ખરૂ પૂછો તો વિસાવદર-સાસણ રેલ્વે લાઇન પર કોમર્શીયલ કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાફીક જ નથીઃ કનકાઇ, તુલસીશ્યામ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવા સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવતા ગીર ફોરેસ્ટના એક સમયના જાબાંઝ અધિકારી

રાજકોટ, તા., ર૧: અકિલામાં તા.ર૯ સપ્ટેમ્બરના રોજ રાજય વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં સાસણ ગીરમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવાના ઠરાવને વિવાદાસ્પદ અને સિંહોની સુરક્ષા માટે અત્યંત જોખમી ગણાવતો તા.૭ ઓકટોબરના જયદેવસિંહ જાડેજાનો અહેવાલ પ્રકાશીત થયો હતો. આ અહેવાલના સમર્થનમાં નિવૃત એડીશ્નલ ચીફ પ્રિન્સીપલ કોન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ શ્રી એ.કે.શર્મા ખુલ્લેઆમ આવ્યા છે. તેમણે અકિલાને જણાવેલ કે બ્રોડગેજ લાઇનની વાત છોડો હયાત મીટરગેજ લાઇન પણ સિંહો માટે જોખમી છે તને ઉખાડી ફેંકવી જોઇએ.

તેમણે જણાવેલ કે વર્ષો પહેલા મુસાફરોના આવાગમનને ઝડપી બનાવવવા અને ઉદ્યોગોના વિકાસ માટે જરુરી કાચા માલ સામાનની હેરફેર તેજ બનાવવા મીટરગેજ રેલ્વે લાઇનોને બ્રોડગેજમાં પરીવર્તીત કરવાનો સૈધ્ધાંતીક નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય જુદી જુદી રેલ્વે લાઇનો અને તેમની આસપાસના શહેરો-ટાઉનની ભૌગોલીક, ઔદ્યોગીક અને વ્યાપારીક સ્થિતિએ યોગ્ય પણ સાસણ-વિસાવદર રેલ્વે લાઇન માટે હરગીઝ યોગ્ય નથી. સિંહો માટે અત્યંત ઘાતકી સાબીત થનારા આ ઠરાવ પાછળ છુપાયેલુ કોઇ પણ હિત ગુન્હાહીત માનસ ધરાવતું ઠરશે.

તેમણે જણાવેલ કે જુની રેલ્વેલાઇન આસપાસ જ સિંહોની અવર-જવર રહે છે. ઓન રેકર્ડ અકસ્માતોમાં સિંહ સહીતના વન્ય જીવોના મોતના આંકડા તેની સાક્ષી પુરે છે ત્યારે પ્રવર્તમાન સરકારના સંબંધીત વિભાગોએ ઠરાવ પુર્વે એન્વાયરમેન્ટ ઇમ્પેકટ એસેસ-પર્યાવરણ પરની અસરોનો ઉંડો અભ્યાસ કરવો જોઇએ. ગીર વિસ્તાર પ્રતિબંધીત વિસ્તાર છે. આ માટે ચોક્કસ પોલીસી ઘડાયેલી છે અહી ઔદ્યોગીક વિકાસને અવકાશ જ નથી ત્યારે ગેજ પરિવર્તન સરકારી તીજોરીના નાણાના વેડફાટ કરતા પણ એશીયાટીક લાયન ઉપર મોટા જોખમરૂમ છે.

 શ્રી અશોક શર્માએ ઉમેર્યુ કે કનકાઇ અને તુલશીશ્યામ મંદિરોને યાત્રાધામ તરીકે વિકસીત કરવુ એ કદાચ ઇશ્વરીય શકિતને પણ સ્વીકાર્ય ન હોય. મધર નેચરથી મોટો ગોડસે કોઇ નથીએટલે કે કુદરતી સંપદાથી મોટો ભગવાન એક પણ નથી. આ બન્ને સ્થળે આવતા શ્રધ્ધાળુેઓની સંખ્યા, વાહનોની સંખ્યા અને સમય ઉપર કડક પાબંદી લાદવી પણ અત્યંત જરૂરી છે. આ બધા નિર્ણયો વિના વિલંબે લઇ લેવા જોઇએ. જો આમ થશે તો સિંહ સહીતના વન્ય જીવો તેમને કુદરતે બક્ષેલી વન સંપદામાં સલામત રીતે વિહરી શકશે.

કિર્તિચક્રથી સન્માનીત શ્રી અશોકકુમાર શર્મા ઉપર એક સમયે સાસણમાં છરાથી જીવલેણ હુમલો થયો હતોઃ સિંહ સંરક્ષણના પ્રખર હિમાયતી, સ્પષ્ટ વકતા

રાજકોટ, તા., ૨૧: સાસણ વચ્ચેથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇનને બ્રોડગેજમાં પરીવર્તીત કરવાના રાજય વાઇલ્ડ લાઇફ બોર્ડમાં થયેલા વિવાદીત ઠરાવના વિરોધ સાથે સિંહો સહીત સાસણમાં વસવાટ કરતા વન્ય જીવોને વધુ સલામતી બક્ષવા પરીણામલક્ષી પગલા અને ઉપાયો સુચવી રહેલા નિવૃત એડીશ્નલ પ્રિન્સીપલ ચીફ કોન્ઝવેટર ઓફ ફોરેસ્ટ શ્રી અશોકકુમાર જંગલ ખાતાના કાબેલ અને કાર્યદક્ષ અધિકારી હતા. તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ ૧૯૮૪ માં કેન્દ્ર સરકાર દ્વારા તેઓનું કિર્તી ચક્ર એનાયત કરી યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સાસણ ગીરમાં તેઓ ડી.એફ.ઓ. તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ગેરકાયદે ખનન અને પર્યાવરણને નુકશાન કરતી લાકડા કાપવાના ગેરકાયદે કારોબારને કડક પગલા ભરી અટકાવી દેતા આવી પ્રવૃતી સાથે સંકળાયેલા તત્વોના પેટમાં તેલ રેડાયુ હતું અને ૧૯૮૮ના વર્ષમાં હત્યા કરવાના આશયથી તેમની ઉપર છરા વડે જીવલણ હુમલો થયો હતો. સદભાગ્યે તેઓનો બચાવ થયો હતો. સિંહ સંરક્ષણના તેઓ પ્રખર હિમાયતી, સ્પષ્ટ વકતા છે. શ્રી શર્મા નિવૃતિ સમયે ફોરેસ્ટ કોર્પોરેશનના એમ.ડી.નો હોદ્દો શોભાવતા હતા. હાલ તેઓ ગાંધીનગરમાં નિવૃતી કાળ વીતાવી રહયા છે. નિવૃત અધિકારી શ્રી અશોકકુમારના ખભ્ભા ઉપર બેઠેલુ પક્ષી તેમનો પર્યાવરણ પ્રેમ પ્રદર્શીત કરે છે.

(11:30 am IST)