Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આકસ્મિક જરૂરીયાત ઉભી થાય તો ?

કોરોના કાળમાં લોકો રોકડા વધુ ઘરે રાખવા લાગ્યા

મુંબઇ તા. રરઃ મહામારી દરમ્યાન લોકોએ ઘરમાં રોકડ રાખવાને પ્રાથમિકતા આપી છે. ડીજીટલ લેવડ દેવડ વધવા છતાં ૯ ઓકટોબર સુધી લોકો માટે રોકડ ગયા વર્ષના એ જ સમય ગાળાની સરખામણીમાં રર.પ ટકા વધી છે.

એક વર્ષ પહેલા વાર્ષિક આધાર પર મુદ્રામાં વધારો ૧૩.પ ટકા હતો, જે સામાન્ય રીતે ચુંટણીના વર્ષને છોડીને કેટલાક વર્ષોનો ટ્રેન્ડ છે. ૯ ઓકટોબર સુધી લોકો પાસે કુલ રોકડ ર૬.૦૯ લાખ કરોડ રૂપિયા હતી, જે ૩૧ માર્ચ સુધી ર૩.પ લાખ કરોડ રૂપિયા હતી. આનાથી સંકેત મળે છે કે સામાન્ય પ્રજાએ લોકડાઉન દરમ્યાન ર.૬ લાખ કરોડ રૂપિયા વધારે રાખ્યા છે.

રિઝર્વ બેંકના આંકડાઓથી જાણવા મળે છે કે ૯ ઓકટોબર સુધીના પખવાડીયામાં લોકોની પાસે રોકડમાં ર૩૯પ૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે. હાલના આંકડાઓથી જાણવા મળે છે કે ઓકટોબરના પહેલા ૧પ દિવસ દરમ્યાન યુપીઆઇ દ્વારા લેવડ દેવડ ૧ અબજ રૂપિયાની ઉપર પહોંચી ગઇ છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે તહેવારો દરમ્યાન તે ર અબજ રૂપિયાને પાર કરી જેશ.

હજુ પણ મધ્યમ અને નાના શહેરોમાં લોકો રોકડને જ પ્રાથમિકતા આપે છે અને તહેવારોની માંગ પણ રોકડથી પુરી કરવામાં આવે છે. આનું કારણ એ છે કે સ્થાનિક દુકાનદારો ડીજીટલ પેમેન્ટ સ્વીકારવા તૈયાર નથી થતા જેથી ટેક્ષના પેમેન્ટમાંથી બચી શકાય.

(12:49 pm IST)