Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આવી રહ્યું છે આર્થિક પેકેજ

સરકારી કર્મીઓ બાદ હવે સામાન્ય જનતાને પણ દિવાળી ગિફ્ટ આપવાની તૈયારીમાં મોદી સરકાર

નવી દિલ્હી, તા.૨૨: કોરોના સામે લડવા, દેશના અર્થતંત્રને ફરી પાટે ચઢાવવા માટે મોદી સરકારે ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી પરંતુ, તેની કોઇ નક્કર ન દેખાતા હવે ફરી સરકાર બીજા મોટા આર્થિક પેકેજ પર કામકાજ કરી રહી છે અને તે અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવું આધિકારીક નિવેદન પણ મળી રહ્યું છે.

ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક આર્થિક પેકેજ જાહેર કરવાનો વિકલ્પ ખુલ્લો હોવાના નાણા પ્રધાન નિર્મલા સિતારમનના નિવેદનના થોડાક દિવસો પછી નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે સરકાર વધુ એક સ્ટિમ્યૂલસ પેકેજ જાહેર કરવા અંગે કાર્ય કરી રહી છે.

નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી(સીઆઇઆઇ) દ્વારા આયોજિત વેબિનારને સંબોધતા જણાવ્યું હતું કે નાણા પ્રધાને અમને વધુ આર્થિક પેકેજ તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ માર્ચમાં કોરોના મહામારીની અસરથી ગરીબોનું રક્ષણ કરવા માટે સરકારે ૧.૭૦ લાખ કરોડ રૂપિયાની પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના(પીએમજીકેપી)ની જાહેરાત કરી હતી. ત્યારબાદ મે મહિનામાં ૨૦.૯૭ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

સોમવારે નાણપ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં વધુ એક સ્ટિમ્યૂલસ પેકેજ જાહેર કરવાનો વિકલ્પ ખુલ્લો છે.

(4:00 pm IST)