Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ઓનલાઇન બતાવાઇ ચૂકેલી ફિલ્મોને હવે મલ્ટીપ્લેકસમાં દેખાડવામાં નહિં આવે

છ મહિનાથી થિએટરોને કોઇ આવક નથી છતાં આવો આશ્ચર્યજનક નિર્ણય

મુંબઇ, તા.રર : ગુરૂવારથી થિયેટરો ચાલુ તો થઇ ગયા પણ ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે અભિનિત ખાલી પીલી કોઇ મલ્ટીપ્લેકસમાં દર્શાવવામાં નહિ આવે, એવું કારણ છે કે મલ્ટીપ્લેકસ એસોસિયેશને નિર્ણય લીધો છે કે ડિજિટલ મંચ પર ફિલ્મનું પ્રીમીયર થઇ ચૂકયું હોય (ઓટીટી) તેને થિયેટરમાં દર્શાવવી નહીં. ઝી સ્ટુડીયોના સીઇઓ શરીક પટેલે જણાવ્યું કે અમે આ ફિલ્મ તમામ મલ્ટીપ્લેકસને ઓફર કરી હતી, પણ કોઇ તેને દર્શાવવા તૈયાર થયું નહી. અમુક એવા સ્વતંત્ર મલ્ટીપ્લેકસ હતા જેઓ ફિલ્મ દર્શાવવા તૈયાર હતા, પણ તેઓ વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી (વીપીએફ) જતી કરવા તૈયાર ન હોતા, તેમણે વધુમાં જણાવ્યું કે વીપીએફને કારણે ફિલ્મનો ખર્ચ વધી જાય છે જે હાલના સમયમાં નિર્માતાને પોષય તેમ નથી. સમય આવી ગયો છે કે વીપીએફ વિશે પુનર્વિચાર કરવામાં આવે. પટેલે જણાવ્યું કે તેમને એ વાતનું આશ્ચર્ય છે કે છેલ્લા છ મહિનાથી થિયેટરોનો કોઇ આવક ન થઇ હોવા છતાં તેઓ આવા નિયમોને વળગી રહ્યા છે અને એવી ફિલ્મોને નકારી રહ્યા છે જે તેમને વધુ આવક આપી શકે છે.

ઝી પાસે અન્ય એક ફિલ્મ છે. સુરજ પે મંગલ ભારી જેમાં દિલજિત દોસંજ, ફાતિમા સના શેખ અને મનોજ બાજપેયી છે અને જેને દિવાળીના તહેવાર દરમિયાન રજૂ કરવાની તૈયારી થઇ રહી છે. પટેલે જણાવ્યું કે અમે ફિલ્મને થિયેટરમાં દર્શાવવા પ્રતિબદ્ધ છીએ પણ સામે પક્ષે થિયેટરવાળાએ પણ વીપીએફ જેમાં ખર્ચ ઘટાડીને સ્ટુડિયોને લાભ કરી આપવો જોઇએ જેથી ફિલ્મ ઓટીટી પ્રસારણ અને થિયેટરના પ્રસારણની કિંમત વચ્ચે અંતર ઘટી જાય. આજના સમયમાં થિયેટરની માત્ર પ૦ ટકા ક્ષમતા સાથે ફિલ્મનું પ્રસારણ કરવું એક મોટું જોખમ છે. આથી થિયેટરના માલિકો આગામી થોડા મહિનાઓ માટે નિયમોમાં ફેરફાર કરશે એવી આશા પટેલે દર્શાવી હતી. જો કે પટેલે સ્પષ્ટતા કરી હતી કે સુરજ પે મંગલ ભારી, જે એક ફેમિલી કોમેડી છે, તેને ફિલ્મોના સૌથી મોટા બજાર મુંબઇમાં દિલ્હીના થિયટર ન ખુલે ત્યાં સુધી રિલીઝ કરવામાં નહિ આવે. ફિલ્મનો મુખ્ય અભિનેતા દોસંજ દિલ્હીમાં વધુ પ્રખ્યાત હોવાથી ફિલ્મ ત્યાં પ્રથમ રજૂ કરાશે. તેમણે આશા વ્યકત કરી હતી કેદિવાળી પહેલા બધુ સામાન્ય થઇ જશે.

બીજી તરફ કાર્નિવલ સિનેમાના એમડી, પીવી સુનિલે જણાવ્યું કે મલ્ટીપ્લેકસ એસોસિયેશનનો ડિજિટલ મંચ પર રિલીઝ થયેલી ફિલ્મને થિયેટરમાં નહિ દર્શાવવાનો નિર્ણય અફર છે કારણ કે એનાથી ખોટો ચીલો શરૂ થઇ શકે છે. અમે લોકડાઉન અગાઉના નક્કી કરેલા તમામ નિયમોને વળગી રહેશું જેમાં થિયેટર પર દર્શાવાયેલી ફિલ્મને છથી આઠ અઠવાડિયા સુધી ઓટીટી પર નહિ દર્શાવવાનો નિય સામેલ છે.

વીપીએફ શું છે ? : રાષ્ટ્રીય સ્તરના મલ્ટીપ્લેકસના માલિકો પ્રેક્ષકોને વધુ સારો અનુભવ થાય એના માટે ટેકનોલોજી અપગ્રેડ કરવા નિર્માતાઓ અને ડીસ્ટ્રીબ્યૂટરો પાસેથી ફી વસુલે છે. આ ફીની રકમ એટલે વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી (વીપીએફ) તરીકે થિયેટરોને ચૂકવવા પડે છે. બીજી તરફ જે મલ્ટીપ્લેકસ ન હોય તેવા થિયેટરોના કિસ્સામાં સર્વિસ પ્રોવાઇડર જેવા કે યુએફઓ, સ્કેબલ અને કયુબ વીપીએફ વસુલે છે. ઉલ્લેખનીય છે કે આ ચાર્જ માત્ર ભારતીય ફિલ્મો માટે જ વસુલવામાં આવે છે. હોલીવુડની ફિલ્મોને આ ચાર્જમાંથી બાકાત રાખવામાં આવી છે.

(4:02 pm IST)