Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ચીનમાં વાસી નૂડલ્સ ખાદ્યા બાદ એક જ પરિવારના બે બાળકો સહીત 9 લોકો મોતને ભેટ્યા : હાહાકાર

મકાઈ વાસી થઈ જવાથી તેમાં ઉત્પન્ન થયેલ ઝેરી એસિડ ઘાતક બન્યો

ચીનમાં વાસી નૂડલ્સ ખાતા એક જ પરિવારના બે બાળકો સહીત 9 લોકોના મોત થતા  હાહાકાર મચી જવા પામ્યો છે. ફ્રિઝરમાં સાચવી રાખેલી મકાઈની નૂડલ્સ બાફીને ખાવાના કારણે 7 પુખ્ત અને 2 બાળકો સહિત એક જ પરિવારના 9 લોકો મોતને ભેટ્યા છે. જો કે, મકાઈ વાસી થઈ જવાથી તેમાં ઉત્પન્ન થયેલ ઝેરી એસિડ ઘાતર બન્યો હોવાનું હાલ કારણ સામે આવી રહ્યું છે. પરિવારના મોતને લઈ ત્યાના તબીબો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.12  વ્યક્તિના પરિવાર પૈકી કુલ 9 લોકોએ સવારના નાસ્તામાં ઘરે બનાવેલી મકાઈની નૂડલ્સ આરોગી હતી. બાકીના 3 કિશોરોએ મકાઈની નૂડલ્સ ભાવતી ન હોવાથી તે ખાવાનું ટાળ્યું હતું. નાસ્તો કર્યા પછી બપોરથી જ દરેકને તીવ્ર ડિહાઈડ્રેશનની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં સઘન સારવાર છતાં બે દિવસના અંતરે નાસ્તો કરનાર દરેક 9 લોકોએ એક પછી એક દમ તોડ્યો હતો.

શુઆનટાંગ્ઝી તરીકે ઓળખાતી મકાઈની નૂડલ્સ એ ઉત્તર-પૂર્વ પ્રાંતનો પરંપરાગત નાસ્તો મનાય છે.આપણે ત્યાં જેમ ચોખાના પાપડ વ. ચીજો બારમાસી બનાવીને રાખી મૂકવામાં આવે છે એમ ઉત્તર-પૂર્વ ચીનના પરિવારો વર્ષભરની મકાઈ નૂડલ્સમાં આથો લાવીને ભરી રાખે છે તેમજ જરૂરિયાતમુજબ પાણીમાં પલાળીને, બાફીને તેનાં પર મસાલો છાંટીને નાસ્તા તરીકે ખાવા ટેવાયેલા છે.

મકાઈના આથામાં બોન્ગ્ક્રેકિક નામના એસિડનું પ્રમાણ વધી જવાથી તે શ્વસનતંત્ર માટે અત્યંત ઘાતક ઝેર બની જાય છે. નૂડલ્સમાંથી તેમજ ખાનારા લોકોની હોજરીમાંથી પણ બોન્ગ્ક્રેકિક એસિડ માટે કારણભૂત બેક્ટેરિયાનું ભારે ઊંચું પ્રમાણ મળ્યું હતું.

બોન્ગ્ક્રેકિક એસિડની પાણીના 100મા ભાગ જેટલી હાજરી વાનગીમાં ખટાશ ઉમેરવા માટે પૂરતી હોય છે પરંતુ એથી વધુ પ્રમાણ હોય તો એ ઘાતક નીવડે છે. જ્યારે કે મૃતકોએ ખાધેલ નૂડલ્સમાં બોન્ગ્ક્રેકિક એસિડનું પ્રમાણ પાણીના 18મા ભાગ જેટલું હતું. આથી તે જલદ ઝેર જ બને.તબીબોના મતે બોન્ગ્ક્રેકિક એસિડનું આટલું ઊંચું પ્રમાણ હોય ત્યારે અડધાથી વધુ કિસ્સામાં મૃત્યુ નિશ્ચિત બની જાય છે.

(6:55 pm IST)