Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સેના અધ્યક્ષની યાત્રા પહેલા RAW ચીફ સામંત ગોયલ નેપાળ પહોંચ્યા

ભારતીય લશ્કરી વડા આવતા મહિને મુલાકાત લેશે : નવ સભ્યોના પ્રતિનિધિમંડળની સાથે કાઠમંડુ પહોંચ્યા ચીનના રવાડે ચઢેલા નેપાળની શાન ઠેકાણે લાવવા પ્રયાસ

નવી દિલ્હી, તા. ૨૨ : ચીનના રવાડે ચડેલું નેપાળ છેલ્લા કેટલાક સમયથી ભારત માટે માથાનો દુખાવો બન્યું છે. અહીંની વામપંથી સરકાર માત્ર ચીનના ખોળામાં બેસી ગઈ છે એટલુ નહીં પણ ભારત સામે વિકટ પરિસ્થિતિઓ પણ ઉભી થઈ છે. ભારત પણ નેપાળની બદલાયેલી નીતિઓથી સારી રીતે વાકેફ છે. પરિણામે રિચર્સ એંડ એનાલિસિસ વિંગના ચીફ અચાનક નેપાળ પ્રવાસે પહોંચી ગયા છે. રો ચીફ સામંત ગોયલની અચાનક નેપાળ મુલાકાતે સૌકોઈને ચોંકાવ્યા છે. નેપાળી મીડિયાના જણાવ્યા પ્રમાણે બુધવારે નવ સભ્યોનું પ્રતિનિધિમંડળ સાથે કાઠમંડુ પહોંચ્યા હતાં અને તેમને આખો દિવસ અહીં વિતાવ્યો હતો. સૌથી મહત્વની વાત છે કે, રો ચીફની મુલાકાત ભારતીય સેનાધ્યક્ષની નેપાળ યાત્રા પહેલા થઈ છે. ભારતના લશ્કરી વડા જનરલ એમએમ નરવણે નેપાળની મુલાકાત લે પહેલાં રૉના વડા સામંત ગોયલે બુધવારે ઓચિંતી નેપાળની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી.

આવતા મહિને જનરલ એમ એમ નરવણે નેપાળની મુલાકાત લે પહેલાં રૉના વડા ગોયલે લીધેલી નેપાળની મુલાકાત સૂચક ગણાય. નેપાળ ચીનની સોડમાં વધુ પડતું ભરાઇ પડે અને પછી એને વાળવાનું મુશ્કેલ થઇ પડે પહેલાં જનરલ નરવણે નેપાળની મુલાકાત લઇને પરિસ્થિતિ કાબુમાં મેળવવાના પ્રયાસ કરશે એવી અપેક્ષા રખાતી હતી. ભારત અને નેપાળ વચ્ચે બહુ જૂના લશ્કરી સંબંધો છે. નેપાળે તાજેતરમાં પોતાના નકશામાં કાલા પાણી, લિંપિયાધુરા અને લિપુલેખ સામેલ કરી લીધા હતા. ત્યારથી ભારત અને નેપાળ વચ્ચે થોડી તંગદિલી સ્થપાઇ હતી. નેપાળની દલીલ એવી રહી હતી કે સરહદી વિવાદના નિરાકરણ માટે અમે લાંબા સમયથી વિદેશ ખાતાના સચિવોની બેઠકની માગણી કરી રહ્યા હતા. ભારત તેનો અનુકૂળ જવાબ આપતું નહોતું. શક્ય છે કે જનરલ નરવણેની નેપાળ મુલાકાત વખતે મુદ્દે પણ કોઇ પગલાંને લઈને વિચારણા કરવામાં આવે. નેપાળી મિડિયાના અહેવાલો મુજબ ઇશ્વર પોખરેલ પાસેથી સંરક્ષણ ખાતું નેપાળના વડા પ્રધાન ઓલીએ લઇને ભારતને પોઝિટિવ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે, પોખરેલ ભારત વિરોધી વિચારો ધરાવતા હતા.

(7:41 pm IST)