Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

દેશના ૨૭ કલાકારોને સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ

નેતાઓ સામે લાચાર તંત્ર કલાકારો પર હાવી : ૩૧ ડિસેમ્બર સુધી આવાસ ખાલી કરવા અથવા ભાડું ભરવા નોટિસ, બિરજુ મહારાજની વડાપ્રધાનને અપીલ

નવી દિલ્હી, તા. ૨૧ : પદ્મ સન્માન ઉપરાંત દેશવિદેશનાં કેટલાંય જાણીતા સન્માન મેળવનારા અને પોતપોતાના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવનારા કલાકારોને દિલ્હીમાં ફાળવાયેલાં સરકારી આવાસ ખાલી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કલાકારોને તા. ૩૧ ડિસેમ્બર સુધીમાં સરકારી આવાસ ખાલી કરવા અથવા તો પછી બજાર ભાવે ભાડું ભરવા તથા પાછલી ભાડાંની વધારાયેલી બાકી રકમનું એરિયર્સ ચૂકવવા સહિતની ચિમકી પણ આપવામાં આવી છે.

જે કલાકારોને નોટિસ મળી છે તેમાં પંડિત બિરજુ મહારાજ , જતિન દાસ, ગુરૂ જયરામ રાવ, ભારતી શિવાજી, ડો. સુનિલ કોઠારી, કમલિની અસ્થાના, કનક શ્રીનિવાસન તથા વાસિફુદ્દિન ડગર સહિતનાં જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારનાં હાઉસિંગ મંત્રાલય દ્વારા જુન ૨૦૧૫માં એક એસેસમેન્ટ કરાયું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે કલાકારોએ સરકારી આવાસમાં નિર્ધારિત મુદ્દત વીતી ગયા પછી પણ કબજો ચાલુ રાખ્યો છે. તેમને બહુ નજીવી લાયસન્સ ફીના બદલામાં વર્ષની મુદત્ત માટે આવાસ અપાયા હતા. દિલ્હીના લોધી કોલોની, એશિયન ગેમ્પસ વિલેજ, શાહજહાં રોડ, કાકા નગર, ગુલમહોર પાર્ક, પંડારા નગર તથા આર. કે. પુરમના પોશ વિસ્તારોમાં આવાસો આવેલા છે.

હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા અપાયેલી નોટિસમાં જણાવાયું છે કે કબજેદારો જાતે આવાસ ખાલી નહીં કરે તો લાગુ પડતા કાયદા અનુસાર મકાન ખાલી કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મકાન પર કબજાની મુદ્દત ૨૦૧૪ના વર્ષમાં પૂરી થઇ હતી. તે પછી કલાકારોએ બાકી ભાડાંની પેનલ્ટી સાથે ચૂકવણી કરવાની થતી હતી. પરંતુ સરકારી સૂત્રોના દાવા અનુસાર સરકારે તા. ૩૦ સપ્ેટમ્બર, ૨૦૨૦ની તારીખ સુધીની પેનલ્ટી માફ કરી છે. સરકારના દાવા મુજબ તેણે કલાકારો પાસેથી ૩૦ કરોડ લેવાના બાકી નીકળે છે જે તેણે જતા કર્યા છે. કલાકારોએ એક સંયુક્ત સ્ટેટમેન્ટ આપ્યું છે જેમાં જણાવાયું છે કે સરકાર ડેમેજ પેટેના ૩૦ કરોડ જતા કરાયાનો દાવો કરે છે પરંતુ આવાં કોઇ ડેમેજ વિશે અગાઉ અમારું ધ્યાન દોરાયું નથી. ભાડામાં વધારા બાબતે પણ અમને કોઇ જાણ કરાઇ નથી.

ધ્રુપદ વોકલિસ્ટ વાસિફુદ્દિન ડાગરે જણાવ્યું હતું કે કલાકારોના દરજ્જા, તેમની પ્રતિભા અને દેશ માટે તેમણે આપેલાં પ્રદાનને ધ્યાને રાખીને સરકારે સન્માનપૂર્વક વ્યવહાર કરવો જોઇએ. અમે સરકારની વિરુદ્ધ નથી જવાના પરંતુ મહામારી સમયે વડાપ્રધાને ખુદ મકાનમાલિકોને તેમના ભાડૂઆતો પાસે મકાન ખાલી નહીં કરાવવા જણાવ્યું છે ત્યારે સરકાર દિલ્હીમાં જ્યારે પરિસ્થિતિ વણસી છે ત્યારે અમારી સાથે આવો વ્યવહાર શા માટે કરે છે. નેતાઓ દાયકાઓ સુધી સરકારી આવાસોમાં રહે છે. અમે કોઇ પદ પર નથી. દાયકાઓ સુધી કલાની સાધના દ્વારા દેશનું નામ રોશન કર્યું છે. સરકાર માટે કેટલાય કાર્યક્રમો વિનામૂલ્યે આપ્યા છે તેની કદરકલાકારો સાથે સરકારના કઠોર વ્યવહારના કલાજગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર અનેક ચાહકોએ જણાવ્યું હતું કે તમામ કલાજગતનાં સન્માનીય નામો છે. તેમણે  દેશને કેટલીય કલામાં ગૌરવ અપાવ્યું છે. નેતાઓ જો દાયકાઓ સુધી સરકારી મિલ્કતોમાં તાગડધિન્ના કરી શકતા હોય તો કલાકારો સાથે આવો કઠોર વ્યવહાર ના થવો જોઇએ. તેમનું સન્માન જળવાય તેવો રસ્તો નીકળવો જોઇએકથક ગુરૂ પંડિત બિરજુ મહારાજે એક ઓડિયો સ્ટેમેન્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે હાલ મારી વય ૮૩ વર્ષની છે. આટલાં વર્ષો કલા સાધના દ્વારા દેશની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ મહામારીના સમયે આવી નોટિસથી ભારે ખિન્ન થયો છું. મારી વડાપ્રધાન મોદીને અપીલ છે કે કોઇ ઉકેલ સૂચવે.

(12:00 am IST)
  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST

  • 72 મુસાફરો સાથેની દિલ્હીની બસ પલટી મારી ગઈ: અનેકને ઇજા : ગઈકાલે રાત્રે ઉન્નાવના સિધ્ધરપુર ગામ નજીક દિલ્હીની ૭૨ મુસાફરો સાથેની બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 20 મુસાફરો ઘાયલ થયા છે. બસ મુસાફરો સાથે બહરાઇચ જઇ રહી હતી. access_time 10:45 am IST

  • અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડુ સક્રિય: સાંજે 6 કલાકે 32 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે: જાફરાબાદ અને વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયુ. access_time 9:08 pm IST