Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોરોનાની સંપૂર્ણ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ:ઝડપથી વિતરણની ઘડાતી રણનીતિ

22 સેન્ટર પર રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ : લગભગ 26 હજાર સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે

નવી દિલ્હી : કોરોના સંક્રમણ સામે લડવા સમગ્ર વિશ્વમાં વિવિધ રસીઓ પર કામ ચાલી રહ્યુ છે, તેમા સ્વદેશી રસીએ બે ટ્રાયલ સફળતાપૂર્વક પસાર કરતાં તેની આશા વધી ગઈ છે. કોરોનાની સંપૂર્ણ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ દેશમાં ચાલુ છે. આ સાથે જ રસી સમગ્ર દેશના લોકો સુધી ઝડપથી કઈ રીતે પહોંચે તે માટે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી પણ રસીનું ઝડપથી વિતરણ થતું જોવા ઇચ્છે છે અને આ માટે ઉચ્ચસ્તરની બેઠક પણ કરી ચૂક્યા છે. સ્વદેશી કોરોના રસીના વિતરણથી લઈને તેના સ્ટોરેજ સુધીની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

શુક્રવારે રસીના ટ્રાયલ સામે લોકોને જાગૃત કરવા હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજે પોતે રસીની ટ્રાયલમાં ભાગ લીધો હતો. હવે આગામી વર્ષે આપણી પાસે કોરોનાને હરાવનારી રસી ઉપલબ્ધ હશે. સંપૂર્ણ સ્વદેશી રસી કોવેક્સિનનું નિર્માણ ભારત બાયોટેક અને આઇસીએમઆર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી મળીને કરી રહ્યા છે. કોવેક્સિનની ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે. દેશના 22 સેન્ટર પર રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ છે. તેમાં લગભગ 26 હજાર સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે.

 

કોવેક્સિનના પ્રથમ બે તબક્કામાં 1,000 લોકો પર રસીની ટ્રાયલ કરવામાં આવી હતી. પહેલા બે તબક્કામાં સામેલ વોલેન્ટિયર્સમાં રસીની કોઈ આડઅસર જોવા મળી નથી. તેના લીધે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ સફળ નીવડશે. કોવેક્સિનની આ ત્રીજા તબક્કાની અને અંતિમ ટ્રાયલ છે. આ ટ્રાયલના પરિણામ પરથી સ્પષ્ટ થઈ જશે કે કોવેક્સિનને લોકો સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે. ત્રીજા તબક્કામાં જે પણ સ્વયંસેવકો રસી મૂકાવી રહ્યા છે તેમણે 28 દિવસ પછી બીજો ડોઝ મૂકાવવો પડશે. રસીનો પહેલો ડોઝ લગાવ્યાના 42 દિવસ પછી સ્વયંસેવકોને બ્લડ ટેસ્ટ કરવામાં આવશે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ પ્રારંભમાં 600 જેટલા લોકોનો બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. બ્લડ ટેસ્ટના રિપોર્ટ સામાન્ય રહ્યા તો પછી રસી સફળ ગણવામાં આવશે. તેના પછી સરકાર અને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ) પાસેથી રસીની મંજૂરી મળી જશે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં કોી અવરોધ ન આવ્યો તો જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કોરોનાને રોકવા માટેની રસી સંપૂર્ણ તૈયાર હશે. આમ હવે કોરોનાને હરાવવા માટે કહી શકાય કે માર્ચ સુધી રાહ જોવાની છે.

(5:30 pm IST)