Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોંગ્રેસમાં નેતૃત્વની કોઈ સમસ્યા જ નથી, તમામ નેતાઓ રાહુલ ગાંધીની પડખે :સલમાન ખુરશીદ

દર વખતે ચૂંટણી પછી એનાલિસિસ થતુ હોય છે.પાર્ટીમાં તેને લઈને કોઈ ઝઘડો નથી.આ વખતે પણ આવું જ થશે.

નવી દિલ્હી : બિહાર ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ દેખાવ બાદ પાર્ટીમાં નેતૃત્વ પર અંદરથી જ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે પાર્ટીના અન્ય એક સિનિયર લીડર સલમાન ખુરશીદે કહ્યુ છે કે, પાર્ટીમાં નેતૃત્વનુ કોઈ સંકટ નથી અને સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીને પાર્ટીની અંદર તમામ પ્રકારનો સહયોગ અને ટેકો મળી રહ્યો છે.આ બાબત દરેક વ્યક્તિ જોઈ શકે છે.

 ગાંધી પરિવારની નિકટના નેતાઓમાં ગણાતા ખુરશીદે કહ્યુ હતુ કે, કોંગ્રેસમાં પોતાના વિચારો મુકવા માટે દરેક નેતા ને તક મળતી હોય છે ત્યારે પાર્ટીની બહાર પોતાના વિચારો વ્યક્ત કરવાના કારણે પાર્ટીને નુકસાન થતુ હોય છે.

તાજેતરમાં કપિલ સિબ્બલે પાર્ટીના નિરાશાજનક દેખાવ પર આપેલા નિવેદન બાદ ખુરશીદે આડકતરી રીતે સિબ્બલને ટાર્ગેટ કરીને આ વાત કરી હતી.ખુરશીદે કહ્યુ હતુ કે, પાર્ટીની નેતાગારી મારી વાત સાંભળે છે અને જે લોકો મીડિયામાં ટીકા કરી રહ્યા છે તેમને પણ તક અપાઈ છે.પાર્ટીમાં કોઈની વાત સાંભળવામાં નથી આવતી તે મુદ્દો ક્યાંથી આવ્યો તે સમજ નથી પડતી.

સિબ્બલ અને ચિદમ્બરમની ટિપ્પણીઓ પર ખુરશીદે કહ્યુ હતુ કે, તેમણે જે પણ કહ્યુ તેની સાથે હું અસંમત નથી પણ આ માટે મીડિયા સમક્ષ જવાની અને દુનિયાને બતાવવાની જરુર જ નથી.દર વખતે ચૂંટણી પછી એનાલિસિસ થતુ હોય છે.પાર્ટીમાં તેને લઈને કોઈ ઝઘડો નથી.આ વખતે પણ આવ જ થશે.ક્યાં ભૂલ થઈ છે તેના પર ચર્ચા થવાની જ છે.પાર્ટીમાં પૂર્ણકાલીન અધ્યક્ષની માંગણી કરનારા નેતાઓએ તેના પર પાર્ટીમાં થતી બેઠકોમાં વાત કરવી જોઈએ.

(5:53 pm IST)