Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રાજ્યના ચારેય શહેરોમાં રાત્રી કફર્યુ યથાવત રહેશે : મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

વીકએન્ડ કર્ફ્યુમાં પુરતા સહકાર માટે લોકોને અભિનંદન આપ્યા :આભાર વ્યક્ત કર્યો : રાત્રી કર્ફ્યુનો સંપૂર્ણ અમલ કરવા અને માસ્ક પહેરવા લોકોને અપીલ

અમદાવાદ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પ્રજાને સંબોધી હતી. જેમાં અમદાવાદ શહેરમાં આપવામાં આવેલા વીકએન્ડ કર્ફ્યુમાં પુરતા સહકાર માટે લોકોને અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં દિવાળી બાદ સતત વધી રહેલા કોરોના મહામારીના કેસને લઇને બેઠકોનો દોર યથાવત છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યોએ આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજી હતી.

સી.એમ રૂપાણીએ બેઠક બાદ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. તથા આગામી સમયમાં કોરોના મહામારી ના વકરે તે માટે યુવાનોને ઘરમાં રહેવા અપીલ કરી હતી. અને રાત્રિ કરફ્યૂનો સંપૂર્ણ અમલ કરવા માટે લોકોને અપીલ કરી હતી. તથા સવારે 6 વાગ્યાથી રાત્રિ 9 વાગ્યા સુધી કોરોનાની ગાઇડલાઉનનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું હતું તથા લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી હતી

આ સાથે જ વિજયભાઈ  રૂપાણીએ વધુંમાં કહ્યું કે, કોવિડ હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ છે માટે રાજ્યની પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી. લોકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આ કેન્દ્રીય ટીમ સી.એમ. ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થઇ સી એમ ડેશ બોર્ડની કામગીરી પણ બેઠક બાદ નિહાળી હતી

(7:21 pm IST)