Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોરોનાની રસી કોવાક્સિનની આડઅસરની માહિતી છુપાવી

ભારત બાયોટેકનું મોટુ ષડયંત્ર : ઓગસ્ટમાં એક વોલન્ટિયર પર રસીની વિપરિત અસર થઈ હોવા છતાં કંપનીએ ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરી

નવી દિલ્હી, તા. ૨૨ : ભારતમાં આઇસીએમઆરના સહયોગમાં કોરોનાની સ્વદેશી રસી વિકસાવી રહેલી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવાક્સિન રસીની પ્રથમ ફેઝની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ઓગસ્ટ મહિનામાં એક વોલન્ટિયર પર વિપરિત અસર થઈ હોવા છતાં કંપનીએ ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે. કોવાક્સિનની ક્લિનિકલ ટ્રાયલનું મોનિટરિંગ કરી રહેલા સંશોધકોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં પહેલા ફેઝની ટ્રાયલ દરમિયાન તેમાં ભાગ લેનાર એક ૩૫ વર્ષિય યુવાન પર વિપરીત અસરો જોવા મળી હતી. આ યુવાનને અન્ય કોઈ રોગ નહોતો. કંપનીએ બીજા ફેઝની ટ્રાયલમાં પણ ડોઝનો સમય ૨૮ દિવસથી ઘટાડીને ૧૪ દિવસ કરીને પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત કંપનીએ અગાઉના ૭૫૦ વોલન્ટિયરની સંખ્યા ઘટાડીને ૩૮૦ કરી નાખી હતી.

ભારત બાયોટેકે ૧૬મી નવેમ્બરથી ૨૬,૦૦૦ વોલન્ટિયર પર કોવાક્સિનના ત્રીજા ફેઝની ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપરીત અસરનો ભોગ બનેલા વોલન્ટિયરમાં જીવનું જોખમ હોય તેવું કોઈ રિએક્શન જોવા મળ્યું નહોતું. પશ્ચિમ ભારતમાં આવેલી વેક્સિન ટેસ્ટિંગ સાઇટ ખાતે ટ્રાયલમાં ભાગ લેનાર યુવાનમાં ન્યુમોનિયાના લક્ષણ જણાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભારત બાયોટેકના પ્રવક્તાએ આ મામલામાં જણાવ્યું હતું કે, અમે યુવાનમાં રસીની વિપરીત અસરની જાણ ડીસીજીઆઈની કચેરીને કરી છે.  કંપનીએ અન્ય સવાલોના જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમારા અભ્યાસના તારણો એથિક્સ કમિટી અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલઓર્ગેનાઇઝેશનને આપ્યાં છે અને સરકારના એક્સ્પર્ટ ગ્રૂપે પણ અભ્યાસના તારણોની સમીક્ષા હાથ ધરી છે. ભારતીય મૂળના અમેરિકી તબીબ ડો.થિરૂમાલા દેવીએ કોવિડ-૧૯ના દર્દીમાં જોવા મળતા જીવનઘાતક લક્ષણોને અટકાવવાની ક્ષમતા ધરાવતી સારવાર પદ્ધતિ શોધી કાઢી છે. સંક્રમિત દર્દીમાં ફેફસાંને નુકસાન, અવયવની નિષ્ફળતા અને ઘાતક સોજા જેવા લક્ષણોને આ સારવાર પદ્ધતિ અટકાવે છે. ડો.થિરૂમાલા દેવી કન્નેગાન્ટિની પ્રયોગશાળા દ્વારા જર્નલ સેલમાં સંશોધનોનું ઓનલાઇન પ્રકાશન થયું છે. ભારતીય મૂળના આ સંશોધક સેન્ટ જ્યૂડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં સેવા આપે છે. તેમણે શોધી કાઢેલી દવા કોવિડ-૧૯ને કારણે આવતા સોજાને અટકાવવા સક્ષમ છે.

(7:40 pm IST)