Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

તૃણમુલના વન મંત્રી રાજીવ બેનર્જીએ રાજીનામું આપ્યું

મમતા બેનર્જીની મુસિબતમાં વધારો થયો : બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજીવ બેનરજીનું રાજીનામું મંજૂર કર્યું, ભાજપમાં જોડાશે એવી ભારે શક્યતા

કોલકાતા, તા. ૨૨ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના મહિના અગાઉ મુખ્યમંત્રી મમતા બેનરજીને વધુ એક ઝટકો લાગ્યો છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસમાંથી ટોચના મંત્રીઓ મમતાદીદીનો સાથ છોડીને જવાનો સિલસિલો હજી પણ યથાવત્ છે. મમતા સરકારમાં વન મંત્રી રાજીવ બેનરજીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. રાજીવ બેનરજીએ રાજીનામામાં લખ્યું હતું કે, પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવી ખૂબજ સમ્માન અને સોભાગ્યની વાત છે. મને તક મળી તેના બદલ હું દિલથી આભાર વ્યક્ત કર્યું છું.

રાજીવ બેનરજીના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો છે. શું તેઓ પણ શુભેન્દુ અધિકારીની જેમ ભાજપનો કેસરીયો ધારણ કરશે તે અંગેની અટકળો વહેતી થઈ છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજીવ બેનરજીનું રાજીનામું મંજૂર કરી દીધું છે.

પશ્ચિમ બંગાળમાં પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે ટીએમસીમાંથી એકપથી એક ૪૦ જેટલા ધારાસભ્યો પક્ષ પલટો કરશે તેવો દાવો ભાજપે કર્યો છે. ભાજપના મતે સંખ્યાબંધ ટીએમસી એમએલએ તેમના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ જાન્યુઆરીએ તેમજ ગૃહ મંત્રી અમિત શાહ ૩૦ જાન્યુઆરીએ બંગાળની મુલાકાત લેશે જેનાથી ભાજપનું મિશન વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.

ભાજપ મહાસચિવ તેમજ રાજ્યના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય ૪૦થી વધુ ટીએમસી એમએલએ સંપર્કમાં હોવાનો દાવો કરી ચૂક્યા છે. જો કે તેમણે ધારાસભ્યોના નામ જાહેર કર્યા નથી. સૂત્રોના મતે ભાજપ મામલે કોઈ ઉતાવળ નહીં કરે અને ટીએમસીને ધીરે ધીરે ઝટકો આપશે. પાર્ટીમાં એક ડઝન જેટલા લોકો સામેલ થશે અને તેમને એક-બેની સંખ્યામાં પક્ષમાં લઈ જવાશે.

(12:00 am IST)