Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મોદી સરકારની નીતિઓથી ફાયદો ઉદ્યોગપતિને

દેશના ૩૯ ટકા લોકોનું મંતવ્ય

નવી દિલ્હી, તા.૨૩: કેન્દ્રમાં મોદી સરકાર ૨.૦ને લગભગ દોઢ વર્ષથી વધારે સમય થયો છે. આ દરમ્યાન, સરકારને આર્થિક મોર્ચે દરેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડયો. મોદી સરકારનો દાવો રહ્યો છે કે તેણે લોકોના હિતમાં ઘણી નીતિઓ બનાવી છે. ઇન્ડિયા ટુડે અને કાર્વી ઇન્સાઇટસ તરફથી આયોજીત મુડ ઓફ ધ નેશનના સર્વેમાં આર્થિક મોર્ચે કેન્દ્ર સરકાર દ્વારા કોને કેટલો ફાયદો મળ્યો તેની તપાસ કરવામાં આવી હતી. સર્વે દરમ્યાન ૩૯ ટકા લોકોનું માનવું છે કે મોદી સરકારની આર્થિક નીતિઓથી ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે.સર્વેમાં ભાગ લેનાર ૨૯ ટકા લોકોએ માન્યું કે મોદી સરકારની આર્થિક નીતિઓથી નાના અને મોટા ધંધાઓ બંનેને ફાયદો થયો છે. આ સર્વે ૧૨૨૩૨ લોકો વચ્ચે કરવામાં આવ્યો, જેમાં ૧૧ ટકા લોકોનું કહેવું હતું કે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓથી ધંધાદારી લોકોને લાભ થયો છે, જયારે પગારદારોને કોઇ લાભ નથી મળ્યો. ૮ ટકા લોકો માને છે કે મોદી સરકારની આર્થિક નીતિઓથી નાના ઉદ્યોગોને ફાયદો થયો છે.તો ૮ ટકા એવા લોકો પણ હતા જે માને છે કે મોદી સરકારની આર્થિક નીતિઓથી નાના કે મોટા કોઇ ધંધાને ફાયદો નથી થયો. ૬ ટકા લોકોએ કહ્યું કે સરકારની આર્થિક સ્થિતીઓ બાબતે તેઓ કંઇ નથી કહેવા માંગતા.

મુડ ઓફ ધ નેશન પોલમાં ભાગ લેનાર ૮૫ ટકા લોકોએ કહ્યું કે તેમની આર્થિક સ્થિતી કોરોના મહામારીના કારણે ખરાબ થઇ છે. ૬૬ ટકા લોકો માને છે કે તેમની આવક ઘટી છે. ૧૯ ટકા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. આ સર્વેમાં કુલ ૧૨૨૩૨ લોકોએ ભાગ લીધો હતો, જે દેશભરમાં ૩ થી ૧૩ જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યો હતો.

(3:17 pm IST)