Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મંચ પરથી બોલવા ન દેવાતા મમતાની કમાન છટકી : ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો

મમતા બોલવા ઊભા થયા તો જયશ્રી રામ…. જયશ્રી રામ…ના નારા ગૂંજવા લાગ્યા: મમતાએ કહ્યું આમંત્રિત કરીને અપમાનિત કરવી અયોગ્ય

કોલકતા : વડાપ્રધાન મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા  એક મંચ પર તો હતા. પરંતુ હોબાળા વચ્ચે બોલવા ન દેવાતા દીદીએ પિત્તો ગુમાવી દીધો હતો. તેમણે ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો હતો 

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ પ્રસંગે કોલકાતાના વિક્ટોરિયા મમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં મોદી અને મમતા એક સાથે હતા. તેમની વચ્ચે સ્પષ્ટ અંતર પણ જોવા મળતું હતું.જ્યારે મંચ પર પણ બંને સાથે હતા. પરંતુ જ્યારે મમતા બોલવા ઊભા થયા તો જયશ્રી રામ…. જયશ્રી રામ…ના નારા ગૂંજવા લાગ્યા અને તેમને બોલવા દીધા નહીં. તેથી મમતા બેનરજી એકદમ રોષે ભરાઇ ગયા હતા. પછી તેમણે ભાષણ આપવાનો જ ઇનકાર કરી દીધો.

મમતાનો બોલવાનો વારો આવ્યો તો એક તરફ જયશ્રી રામ અને બીજી તરફથી ભારત માતા કી જયના નારા ગુંજવા લાગ્યા હતા. તેથી મમતા બેનરજી ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમણે કહ્યું કે જો તમે કોઇને બોલાવ્યા હોય, આમંત્રિત કર્યા છે તો આવી રીતે કોઇની બે ઇજ્જતી કે અપમાન કરી શકાય નહીં.

મમતા બેનરજીએ કહ્યું કે,મને લાગે છે કે સરકારના પ્રોગ્રામની કોઇ ગરિમા હોવી જોઇએ. આ સરકારી કાર્યક્રમ છે. તે કોઇ પાર્ટીનો પ્રોગ્રામ નથી. આ સર્વપક્ષીય અને જાહેર પ્રોગ્રામ છે.”

“હું તો વડાપ્રધાનજીની આભારી છું, સાંસ્કૃતિ મંત્રાલયની આભારી છું કે તમે લોકોએ કોલકાતામાં પ્રોગ્રામ કર્યો. પરંતુ કોઇને આમંત્રિત કરી તેનું અપમાન કરવું તમને શોભતુ નથી. હું તેના પર વિરોધ દર્શાવી અહીં બોલીશ નહીં

 

પછી તેઓ કાર્યક્રમમાં હાજર લોકોના સૂત્રોચ્ચારથી ભાષણ આપવાનો ઇનકાર કરતા પાછા પોતાની ખુરશી પર આવીને બેસી ગયાં હતાં.નેતાજીની જન્મજયંતિએ સરકારી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રોટોકોલ મુજબ રાજ્યના ગવર્નર જગદીપ ધનખડ અને સીએમ મમતા બેનરજી હાજર રહ્યા હતા.Mamata news

અગાઉ શનિવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ પ્રસંગે વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા. તેઓ જ્યારે વિકોટોરિયા મેમોરિયલમાં આવ્યા તો સીએમ મમતા બેનરજી પણ તેમની સાથે હતાં. પરંતુ બંને સાથે હોવા છતાં તેમના વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાતું હતું.

 

અગાઉ પીએમ મોદી કોલકાતા પહોંચ્યા ત્યારે ટાગોર લુકમાં દેખાયા હતા. દાઢી અને વાળ તો પહેલાંથી જ તેમણે વધારી રાખ્યા છે. આજે સફેદ ઝભ્ભા અને ચૂડીદાર પાયજામા, ઉપરથી ક્રીમ કલરની શોલમાં તેમનો લુક રવિન્દ્રનાથ ટાગોર જેવો દેખાતો હતો. તેમના હાથમાં માસ્ક પણ સપેદ રંગનો હતો.

પીએમ મોદી કોલકાતા આવતા પહેલાં આસામના શિવસાગરમાં એક કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં તેમનો ડ્રેસ અલગ હતો. પરંતુ કોલકાતા પહોંચતા તેઓ ટાગોર લુકમાં દેખાયા હતા.

(7:40 pm IST)