Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અગાઉ લોકોને જમીન હક્કોથી વંચિત રાખવામાં આવ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આસામમાં જમીન પટ્ટા આપવાના કાર્યક્રમનો પ્રારંભ : ઐતિહાસિક જેરેંગા પાથરમાં જમીન પટ્ટા અપાયા, થોડા વર્ષમાં બે લાખ લોકોને જમીન પટ્ટાના અધિકારો અપાયા

શિવસાગર, તા.૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામમાં એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘઘાટન કરતા ઐતિહાસિક જેરેંગા પાથર ખાતે ૧૦ લોકોને જમીનના પટ્ટાના પ્રમાણપત્ર સોંપ્યા હતા. પીએમ મોદીએ પ્રસંગે અગાઉની રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અગાઉની સરકારોએ અહીંના લાખો સ્થાનિકો પ્રત્યે દુર્લ્ક્ષ્ય સેવ્યું હતું અને તેમને જમીનના અધિકારોથી વંચિત રાખ્યા હતા.

ભાજપના નેતૃત્વમાં આસામની સરકાર સ્થાનિકોને તેમના હક અને જમીન અધિકાર આપવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને કરેલા ઉદ્ઘાટન કાર્યક્રમ અંતર્ગત એક લાખ લોકોને જમીન પટ્ટાના પ્રમાણપત્રો અપાશે. આસામમાં જ્યારે સરબનંદા સોનોવાલ સરકારે શાસનની ધૂરા સંભાળી ત્યારે લાખથી વધુ સ્થાનિક પરિવારો પાસે તેમની જમીન માટેનો કોઈ કાયદાકીય અધિકાર નહતો. છેલ્લા થોડા વર્ષોમાં બે લાખ પરિવારોને જમીન પટ્ટો આપવાની કામગીરી કરવામાં આવી છે. વધુ એક લાખ પરિવારોનો ઉમેરો થતા રાજ્ય સરકારે સ્થાનિકોને પોતાના હકો આપવાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

પીએમએ અગાઉની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે ક્યારેય અહીંના સ્થાનિકો, જેઓ જમીનને પ્રેમ કરે છે તેમની, દરકાર લીધી નહતી. જમીન પટ્ટા અહીંના લોકો માટે સ્વાભિમાન, સ્વાધિનતા અને સુરક્ષાની ગેરંટી છે.

ઉપક્રમે વડાપ્રધાને વિશ્વ પ્રસિદ્ધ કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને અતિક્રમણ કરનારા તત્વોથી મુક્ત કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા. આજના દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી હોવાથી વડાપ્રધાને કહ્યું કે અવસરને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે અને દિવસ આશા તેમજ રાષ્ટ્રીય ગૌરવનો છે.

(8:11 pm IST)