Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગલવાન સંઘર્ષ બાદ ચીની સેનામાં ડરનો માહોલ

ભારતીય સરહદે પોસ્ટિંગ થતા જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ચીની સૈનિકો

તાઈપે, તા.૨૩: લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ હજુ ચાલુ છે. બંને દેશો આ દુર્ગમ વિસ્તારમાં શિયાળો શરૂ થવાની તૈયારી હોવા છતાં પોતાના સૈનિકોની તૈનાતી વધારી રહ્યા છે. આ બધા વચ્ચે ચીની સેનાના જવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવે છે કે આ સૈનિકો ભારત સરહદે પોતાનું પોસ્ટિંગ થતા રડી રહ્યા છે. આ વીડિયો પહેલા ચીનના સોશિયલ મીડિયા વીચેટ પર પોસ્ટ કરાયો હતો પરંતુ બેઈજ્જતી થવાના ડરથી ચીની પ્રશાસને તેને ડિલિટ કરાવી દીધો હતો.

તાઈવાન ન્યૂઝના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ વીડિયો ફૂયાંગ રેલવે સ્ટેશને જતી વખતે બસમાં શૂટ કરાયો હતો. સેનામાં નવા ભરતી થયેલા આ જવાનોને અહીંથી ટ્રેનિંગ બાદ ભારત સાથે જોડાયેલી ચીનની સરહદે પોસ્ટિંગ માટે મોકલાઈ રહ્યા હતાં. આ જવાનોને પહેલા હુબેઈ પ્રાંતના એક મિલેટ્રી કેમ્પમાં જવાનું હતું. ત્યાંથી તેમની પોસ્ટિંગ ભારતીય સરહદે થવાની હતી.

આ વીડિયો પહેલીવાર ફૂયાંગ સિટી વીકલીના વીચેટ પેજ પર પોસ્ટ કરાયો હતો. પરંતુ ત્યારબાદ બેઈજ્જતી થવાની બીકે તરત હટાવવામાં આવ્યો. ફૂયાંગ સિટી વીકલીની પોસ્ટમાં ચીનના અનહુઈ પ્રાંતના ફૂયાંગ સિટીમાં આવેલા યિંગઝોઉ જિલ્લાના રહીશ એવા ૧૦ રંગરૂટોને દેખાડવામાં આવ્યા હતાં. આ એ જ રંગરૂટ હતાં જે આ વીડિયોમાં રોતા જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળતા ચીની સેનાના રંગરૂટ હજુ કોલેજના વિદ્યાર્થીઓ છે. તેમની ટીમમાંથી પાંચ જવાન તિબ્બતમાં સેવા કરવા માટે સ્વેચ્છાથી સ્વયંસેવક રહી ચૂકયા છે. વીડિયોમાં ચીની સૈનિકો થોથવાતા અવાજમાં ચીની સેના પીએલએના ગીત ગ્રીન ફ્લાવર્સ ઈન ધ આર્મી ગાતા જોવા મળે છે. આ દરમિયાન રોવાના કારણે તેમના મોઢામાંથી અવાજ નીકળતો નથી.

ગલવાનમાં ૧૫મી જૂનના રોજ થયેલા લોહિયાળ ઘર્ષણ બાદ ચીનની સેનામાં ડરનો માહોલ છે. તેમના સૈનિકો ભારતીય સૈનિકો સાથે ભીડતા હવે ખચકાઈ રહ્યા છે. જેનું તાજુ ઉદાહરણ પેન્ગોંગ લેકના દક્ષિણ ભાગમાં જોવા મળ્યું. અહીં ભારતીય સેનાએ વ્યુહાત્મક રીતે મહત્વની અનેક ટોચ પર કબ્જો જમાવ્યો છે.

(9:57 am IST)