Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

દેશમાં અનાજ ઉત્પાદનનો વિક્રમી 30.1 કરોડ ટનનો લક્ષ્યાંક : 46 લાખ હેક્ટરથી વધુ વાવેતર

ઘઉં માટે ઉત્પાદન લક્ષ્‍યાંક 10.8 કરોડ ટન કરાયો

નવી દિલ્હી :  પાક વર્ષ 2020-21 માટે દેશમાં અનાજ ઉત્પાદનનો લક્ષ્‍યાંક વિક્રમજનક 30.1 કરોડ ટન નક્કી કરવામાં આવ્યો છે. ચોમાસું સારું રહ્યું હોવાથી અને ખરીફ સિઝનમાં વધુ પાકની સ્થિતિને કારણે અંદાજ વધારાયો હતો. પાક વર્ષ જુલાઈથી જૂનનું હોય છે. ખરીફ પાકની પ્રગતિ અંગે સોમવારે સમીક્ષા થઈ હતી અને રવિ પાક માટે આયોજન અંગે નેશનલ કોન્ફરન્સ થઈ હતી, જેમાં આ લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

વર્ચ્યૂઅલ ઈવેન્ટને સંબોધન કરતા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો અને રાજ્ય સરકારોને 2019-20ના વર્ષમાં વિક્રમજનક 29.66 કરોડ ટન અનાજ ઉત્પાદન બદલ અભિનંદન આપ્યા હતા અને નવા વર્ષ માટે 30.1 કરોડ ટન અનાજ ઉત્પાદનનો લક્ષ્‍યાંક મૂક્યો હતો. નવા પાક વર્ષ માટે ચોખાનાં ઉત્પાદનનો લક્ષ્‍યાંક વધારીને 11.96 કરોડ ટન કરાયો છે, જે ગત વર્ષે 11.84 કરોડ ટન હતો. ઘઉં માટે ઉત્પાદન લક્ષ્‍યાંક 10.8 કરોડ ટન કરાયો છે, જે ગતવર્ષે 10.75 કરોડ ટન હતું. જાડાં ધાનનાં ઉત્પાદનનો લક્ષ્‍યાંક ઓલમોસ્ટ ગત વર્ષ જેટલો જ 4.78 કરોડ ટન રાખ્યો છે, જે ગત વર્ષે 4.74 કરોડ ટન થયું હતું.

(10:39 am IST)