Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ વીઆરએસ લીધું : વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા !!

2009માં પણ પાંડેએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા વીઆરએસ લીધું હતું

પટણા  સુશાંત સિંઘ રાજપૂતના મૃત્યુની તપાસ કરવા મુંબઇ ગયેલા અને બીએમસી દ્વારા બળજબરીથી ક્વોરંટાઇનમાં રહેલા બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ આઇપીએસની નોકરીમાંથી વીઆરએસ  લીધું હતું. જાણકાર વર્તુળોએ કહ્યું કે તેમની ઇચ્છા બિહાર વિધાનસભાની ચૂંટણી લડવાની હતી.બિહારના રાજ્ચપાલે તેમની આ અરજી સ્વીકારી લીધી હતી.

પાંડેએ ટ્વીટર પર એવી જાહેરાત કરી હતી કે હું બુધવારે 23મી સપ્ટેંબરે સોશ્યલ મિડિયા પર મારી વાત રજૂ કરીશ. મેરી કહાની મેરી જુબાની નામે આ કેફિયત રજૂ કરવાનો છું. દરમિયાન, અભિનેત્રી રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું હતું કે બિહારના ડીજીપીની વીઆરએસની અરજી જે ઝડપે કેન્દ્ર સરકારે અને બિહારના રાજ્યપાલે સ્વીકારી લીધી એ બિહાર સરકારે સુશાંતના અકાળ મૃત્યુનો કેસ જે ઝડપે સીબીઆઇને ટ્રાન્સફર કર્યો હતો અને કેન્દ્ર સરકારે એને મંજૂરી આપી હતી એના જેવુંજ હતું.

ગુપ્તેશ્વર પાંડે સતત સોશ્યલ મિડિયા પર પણ સક્રિય હતા. એમણે એવી ટકોર કરી હતી કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની ટીકા કરવાની રિયાની ઓખાત નથી. સુશાંતના પરિવારે બિહાર પોલીસમાં ફરિયાદ કરી ત્યારબાદ પાંડે આ કેસની તપાસ કરવા મુંબઇ ગયા અને મુંબઇ મ્યુનિસિપાલિટીએ જે રીતે એમને ક્વોરંટાઇનમાં રહેવાની ફરજ પાડી એને લઇને પાંડે રાતોરાત દેશભરના મિડિયામાં જાણીતા થઇ ગયા હતા.

2009માં પણ પાંડેએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા વીઆરએસ લીધું હતું પરંતુ એ સમયે એમને ટિકિટ મળી નહોતી. નીતિશ કુમારની સરકારે આઠ નવ મહિના પછી પાંડેની વીઆરએસની અરજી સ્વીકારી લીધી હતી. એ સમયે પાંડે ઇન્સ્પેક્ટર જનરલ હતા. પાછળથી તેમને ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ બનાવવામાં આવ્યા હતા. આ વખતે પણ તેમની ઇચ્છા બિહારની વિધાનસભા ચૂંટણી લડવાની હોવાનું જાણકાર વર્તુળો કહે છે. એમણે કરેલી વીઆરએસની અરજી રાજ્યપાલે ચોવીસ કલાકમાં સ્વીકારી લીધી હતી. શક્ય છે કે તેમને આ વખતે ભાજપની ટિકિટ મળી જાય.

(10:50 am IST)