Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સાંબેલાધાર વરસાદથી મહાનગર પાણી... પાણી...

મુંબઇમાં ૧૧ ઇંચ : શહેરમાં ૩-૩ ફુટ પાણી

ટ્રેન - બસ વ્યવહાર ઠપ્પ : ઓફિસોમાં રજા : બજારો બંધ : લોકોને ઘરમાં રહેવા તાકીદઃ જનજીવન ખોરવાયું: લોકોના ઘરોમાં પાણી ઘુસ્યું : ઠેરઠેર વાહનો ફસાયા : ૨૬ વર્ષનો રેકોર્ડ તૂટયો : ૨૪ કલાકમાં ૨૭૫ મી.મી. વરસાદ નોંધાયો

મુંબઇ, તા.૨૩: માયાવી નગરી મુંબઇમાં ગઇકાલે મોડી સાંજથી સાંબેલાધાર વરસાદ પડતા સમગ્ર શહેરના અનેક વિસ્તારોમાં ૩-૩ ફુટ પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. રસ્તા દરીયા જેવા લાગી રહ્યા છે. માર્ગોથી લઇને રેલ્વે સ્ટેશનોમાં અનેક ફુટ પાણી ભરાઇ ગયા છે. બસ-ટ્રેન સેવા ખોરવાઇ ગઇ છે હજારો લોકો ફસાઇ ગયા છે. મુંબઇમાં આ વરસાદે ૨૬ વર્ષનો રેકોર્ડ તોડયો છે. ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં શહેરમાં ૧૧ ઇંચ એટલે કે ૨૭૫.૬ મીમી વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બરમાં પડેલા ૨૪ કલાકના વરસાદનો આ રેકોર્ડ છે. ૨૬ વર્ષ પહેલા આ પ્રકારનો વરસાદ છેલ્લે નોંધાયો હતો. આજે સવારે શાંતાક્રુઝ વેધર સ્ટેસનમાં ૨૭૫.૬ મીમી વરસાદ નોંધાયો હતો. પશ્ચિમી વિસ્તારમાં ૨૫૧ મીમી અને પૂર્વ વિસ્તારમાં ૧૭૩ મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે તો સરકારે આજે આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ સરકારી અને પ્રાઇવેટ ઓફિસોમાં રજા જાહેર કરી છે. બજારો પણ બંધ છે. ભારે વરસાદે લોકોની પરેશાની વધારી દીધી છે. બીએમસીએ લોકોને કામ સિવાય ઘરની બહાર નહિ નીકળવા તાકીદ કરી છે. રસ્તાઓ દરિયામાં ફેરવાતા અનેક વાહનો ફસાય ગયા છે. ટ્રેન અને બસ વ્યવહાર બંધ રહેતા મુસાફરોની મુશ્કેલી વધી છે.

દેશની આર્થિક રાજધાનીમાં મંગળવારે રાતે થયેલા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. રસ્તાથી લઈને રેલવે સ્ટેશનો પર ઘણા ફૂટ સુધી પાણી ભરાઈ ગયુ છે. પાણી ભરાવાના કારણે ટ્રેનો રોકવી પડી. લોકો કલાકો સુધી સ્ટેશનો પર ફસાયેલા રહ્યા. ભારે વરસાદના કારણે રસ્તા પાણીથી ભરાઈ ગયા છે. ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. ભારે વરસાદના કારણે મુંબઈના સાયન રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયુ. મોડી રાત સુધી યાત્રીઓ સ્ટેશન પર ફસાયેલા રહ્યા.

હવામાન વિભાગની માનીએ તો વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ રહેવાનો છે. બુધવારે પણ મુંબઈમાં ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આજે પણ ભારે વરસાદ થઈ શકે છે. વળી, બીએમસી અને સ્થાનિક પ્રશાસને અપીલ કરી છે કે જો જરૂર ન હોય તો લોકો દ્યરમાંથી બહાર ન નીકળે. વળી, રેલવેએ દ્યણી લોકલ ટ્રેનોનુ સંચાલન આજે બંધ કરી દીધુ છે. સીપીઆરઓ સીઆર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે સિયોન-કુર્લા, છત્રપતિ-કુર્લા અને મસ્જિદ વચ્ચે લોકલ ટ્રેનોનુ સંચાલન બંધ રહેશે. વળી, CSMT-થાણે, CSMT-વાસી વચ્ચે સેવા બંધ રહેશે.

વળી, હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ બુધવારે દેશની રાજધાની દિલ્લીમાં પણ વરસાદ થઈ શકે છે. દિલ્લી-એનસીઆર ઉપરાંત ઝિંદ, હસ્તિનાપુર, ચાંદપુર, બદાંયુ, અમરોહા, મુરાદાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે.

(11:03 am IST)