Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રોજનું લઇ રોજ ખાનારા મજૂરોની હાલત ખરાબ

રોજમદાર મજૂરોની આત્મહત્યાનો દર વર્ષે વધી રહ્યો છે ગ્રાફ : આત્મહત્યા કરનારાઓમાં દર ચોથો વ્યકિત રોજમદાર મજૂર

કોલકતા,તા. ૨૩: દેશમાં રોજમદાર મજૂરો બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારોના દાવોઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. રોજમદાર મજૂરોની હાલત દિન-પ્રતિદિન ખરાબ થઇ રહી છે. રોજ મહેનત મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરનારા મજૂરોની આત્મ હત્યાનો ગ્રાફ વર્ષો -વર્ષ વધતો જ જાય છે.

આ વર્ષે કોરોનાના કારણે લોકડાઉનના લીધે રોજમદાર મજૂરોની હાલત વધુ ખરાબ થઇ ગઇ છે. લાંબા લોકડાઉને રોજમદાર મજૂરોની કેડ ભાંગી નાખી છે. મજૂર અને તેના પરિવારના લોકોને બે ટંકના રોટલાના ફાંફા પડી રહ્યા છે.

ગયા વર્ષે એટલે કે ૨૦૧૯માં આત્મહત્યા કરનાર દર ચોથો વ્યકિત રોજમદાર મજૂર હતો. ગયા વર્ષે દેશમાં કુલ ૧,૩૯,૧૨૩ લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાંથી ૩૨,૫૫૯ એટલે કે ૨૩.૪ ટકા લોકો રોજમદાર મજૂર હતા.

ટ્રેડ યુનિયન સીટુના મહામંત્રી અનાદિ સાહુનું કહેવું છે કે નોટબંધી અને જીએસટી પછી બેરોજગારી વધી છે. લોકડાઉનથી તેમાં વધારો થયો છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર કોઇ પણ દેશના આ વર્ગ માટે કાંઇ નથી કરતી.

છેલ્લા પાંચ વર્ષમાં આત્મહત્યા કરનાર મજૂરોના આંકડા

૨૦૧૫        ૨૧,૯૦૨

૨૦૧૬        ૨૩,૭૭૯

૨૦૧૭        ૨૮,૭૩૭

૨૦૧૮        ૩૦,૧૨૪

૨૦૧૯        ૩૨,૫૫૯

 

(11:07 am IST)