Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભારે વરસાદને કારણે

રિયા-શોવિકની જામીન અરજી પર સુનાવણી ટળી

ડ્રગ્સ કેસમાં બોલીવૂડના અન્ય મોટા સ્ટાર્સના નામનો પણ ખુલાસો થયો

મુંબઈ, તા.૨૩: નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો દ્વારા બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ સામે રિયા અને શોવિકે બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. મુંબઈમાં ભારે વરસાદને પગલે રિયા અને શોવિકની જામીન અરજી પર સુનાવણી ના થઈ શકતા તે ટળી છે. ૮ સપ્ટેમ્બરના રિયાની એનસીબીએ ધરપકડ કરી હતી અને બાદમાં તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. ૨૨ સપ્ટેમ્બરના તેની કસ્ટડી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ૬ ઓકટોબર સુધી રિયાની કસ્ટડી લંબાતા હજી પણ તેને જેલમાં રહેવું પડશે. 

મંગળવાર રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મૂશળધાર વરસાદને પગલે બોમ્બે હાઈકોર્ટ બંધ છે જેને પગલે રિયા અને શોવિકની જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સારંગ કોતવાલની સિંગલ બેન્ચ જજ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી થવાની હતી. 

રિયા તેમજ તેના ભાઈ શોવિક સામે એનસીબીએ ડ્રગ્સની ખરીદ-વેચાણનો કેસ દાખલ કર્યો છે. રિયા-શોવિકે એનસીબીની પૂછપરછમાં કબૂલ્યું હતું કે સુશાંત માટે તેઓ ડ્રગ્સ મેળવતા હતા. બન્ને ડ્રગ પેડલર્સ સાથે કરેલી ચેટનો પણ ખુલાસો થયો હતો. અત્યાર સુધીમાં એનસીબીએ ડ્રગ્સ કેસમાં ૧૮ લોકોની ધરપકડ કરી છે.

રિયાએ પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે સુશાંત તેના જીવનમાં આવ્યો તે અગાઉ તેણે ડ્રગ્સ લીધું હતું પરંતુ તેની આડઅસરો વિશે જાણ થતા તે ડ્રગ્સ લેવાનું બંધ કરવા તરફ વળી હતી. રિયાએ વધુમાં જણાવ્યું હતું કે સુશાંત ફિલ્મ કેદારનાથના શૂટિંગ વખતે ડ્રગ્સનું સેવન કરતો હતો. ડ્રગ્સ કાર્ટેલમાં બોલીવૂડના મોટા ફિલ્મસ્ટાર્સના નામો પણ સપાટી પર આવ્યા છે. ડ્રગ્સ કેસનો રેલો દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ઘા કપૂર, રકુલપ્રીત સિંહ, નમ્રતા શિરોડકર સુધી પહોંચ્યો છે.

(3:32 pm IST)