Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગ્વાલિયરમાં બનશે દેશનું સૌ પ્રથમ દિવ્યાંગ સ્ટેડિયમ

મ.પ્ર. સરકારે જમીન ફાળવી દિવ્યાંગો માટે દેશના પ્રથમ સ્ટેડિયમ બનાવવા આપી લીલીઝંડી : ૨૨ હેકટર જમીન ફાળવી : ૧૭૦ કરોડના ખર્ચે અત્યાધુનીક સ્ટેડીયમ બનાવાશે

નવી દિલ્હી,તા.૨૩ : દેશના દિવ્યાંગ ખેલાડીઓ માટે એક નવો માર્ગ ખુલવા જઈ રહ્યો છે. મધ્યપ્રદેશ સરકારે દેશના પ્રથમ 'દિવ્યાંગ ખેલ કેન્દ્ર' (સ્ટેડિયમ) માટે ગ્વાલિયરના ટ્રિપલ આઈટીએમ સામે ૨૨ હેકટર જમીન ફાળવી દીધી છે. કેબિનેટ બેઠકમાં જમીન આપવા માટે મંજુરી આપી દેવાઈ છે. આ દેશનું પ્રથમ રમતગમતનું સ્ટેડિયમ હશે, જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માત્ર રમતોનું હુનર જ નહીં શીખે, પરંતુ અભ્યાસ પણ કરી શકશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેના નિર્માણ પાછળ રૂ.૧૭૦ કરોડનો ખર્ચ કરશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સ્ટેડિયમમાં રમતના મેદાનની સાથે ખેલાડીઓના રોકાવા માટે હોસ્ટેલની વ્યવસ્થા રહેશે. તેમને શિક્ષણની સાથે સ્પેશિયલ ટ્રેનિંગ પણ વિભાગની દેખરેખમાં અપાશે. સ્ટેડિયમમાં પ્રતિભાશાળી દિવ્યાંગ ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરાશે. આ ઉપરાંત, હવે શહેરમાં પણ પેરાલમ્પિક જેવા મોટા આયોજનના રસ્તા ખુલશે. અહીં દેશભરના દિવ્યાંગ બાળકોને તેમની લાયકાત અને મેરિટના આધારે પ્રવેશ અપાશે. વિધાનસભા પેટાચૂંટણી માટે લાગુ થનારી આચારસંહિતા પહેલા આ સ્ટેડિયમના નિર્માણકાર્યનું ભૂમિપૂજન થઈ શકે છે.

તેનું ડ્રોઈંગ અને ડિઝાઈન તૈયાર થઈ ચુકી છે. આ સ્ટેડિયમ બની ગયા પછી અલગ-અલગ રમતોના વિવિધ કોચની ભરતી કરાશે. જેના કારણે રમતના ક્ષેત્રમાં રોજગારની તકો વધશે. જે લોકો સ્પેશિયલ ડિગ્રી સાથે કોઈ સ્પોર્ટ્સમાં નિષ્ણાત છે, તેમને અહીં નોકરી કરવાની તક મળશે. સ્થાનિક સ્તરની પ્રતિભાઓને પ્રેકિટકલ તરીકે પણ રમતની નવી વિદ્યાઓ અને ટેકનીકને શીખવાની તક મળશે.

(2:52 pm IST)