Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સિલેક્ટ અને સ્ટેન્ડિંગ કમિટીને નથી મોકલ્યું કૃષિ બિલ : ગુલામનબી આઝાદ રાવ લઈને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા

બધા રાજકીય પક્ષ સાથે વાતચીત કરીને જ આ બિલ લાવવું જોઇતું હતું.

નવી દિલ્હી: કૃષિ બિલને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે ત્યારે કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. વિપક્ષના પ્રતિનિધિમંડળ તરફથી ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિને મળ્યા છે.ગુલામ નબી આઝાદે આ મુલાકાત પછી જણાવ્યું કે તેમણે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે અને જણાવ્યું કે બધા રાજકીય પક્ષ સાથે વાતચીત કરીને જ આ બિલ લાવવું જોઇતું હતું. દુર્ભાગ્યાવશ આ બિલ સિલેક્ટ કમિટીને પણ મોકલાવમાં ના આવ્યું અને સ્ટેન્ડિંગ કમેટીને પણ આ બિલ મોકલવામાં ના આવ્યું. પાંચ જુદા-જુદા પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા.

કૃષિ બિલોને લઇને વિપક્ષ દ્વારા સતત પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ગુલામ નબી આઝાદે જણાવ્યું કે ખેડૂત લોહી-પરસેવો એક કરી અનાજ ઉત્પન્ન કરે છે. ખેડૂત હિંદુસ્તાનની બેકબોન છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને મળીને જણાવ્યું કે કેવી રીતે ખેડૂત બિલ પાસ કરાયું.

 

અગાઉ રાજ્યસભામાં ધ્વની મત દ્વારા કૃષિ બિલ પાસ થવાને લઇને હંગામો થયો હતો. જેના પર રાજ્યસભામાં ગુલામ નબી આઝાદે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે પણ થયુ, મને નથી લાગતું કે તેનાથી કોઇ ખુશ હોય. ગુલામ નબીએ જણાવ્યું કે આ અમારું પરિવાર છે અને સભાપતિ આ પરિવારના વડા છે. ઘરમાં પણ લડાઇ થતી હોય છે. ટાઇમની અછત જ સૌતન બની ગઇ છે. આ જ કારણે આ ઘટના બની.

 અત્રે ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે. કૃષિ તથા અન્ય બિલોને લઇને વિપક્ષ કેન્દ્ર સરકાર પર હુમલાવર છે અને તમામ દળ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરી રહ્યા છે. વિપક્ષના ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર છતાંય રાજ્યસભામાં આજે બુધવારે ત્રણ લેબર કોડ બિલોને પસાર કરી દેવામાં આવ્યા. આ ત્રણ બિલને કાલે એટલે મંગળવારે લોકસભામાંથી પસાર કરવામાં આવ્યા હતા. આજે આ બિલ રાજ્યસભામાંથી પણ પસાર કરી દેવામાં આવ્યા છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી આ કાયદામાં પરિવર્તિત થઇ જશે. સરકારનો દાવો છે કે આ બિલ શ્રમ ક્ષેત્રમાં મોટા સુધાર લાવશે. જોકે, કેટલાક મજૂર સંગઠનો અને કોંગ્રેસ પાર્ટી તેનો વિરોધ પણ કરી રહી છે.

(9:26 pm IST)