Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

માર્ચથી જૂનમાં ૧ કરોડથી વધુ પ્રવાસી મજૂરોએ પલાયન કર્યું

પહેલાં ઈનકાર પછી અંતે સંસદમાં કરેલી કબૂલાતઃ ૧.૦૬ કરોડ શ્રમિકો ચાલતા ઘરે જવા માટે મજબૂર થયા હતા, આ દરમિયાન ૮૧૦૦૦ માર્ગ દુર્ઘટનાઓ સર્જાઈ

નવી દિલ્હી, તા. ૨૩: કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ થયું ત્યારે સૌથી વધારે તકલીફ દહાડી મજૂરોએ વેઠી હતી. તેમને જ્યાં કરતા હતા ત્યાંથી વતનમાં જવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સંસદના સત્રના પ્રથમ દિવસે આ શ્રમિકોની માહિતી પોતાની પાસે નથી તેમ કહેનાર સરકારે હવે કબૂલાત કરી છે કે માર્ચથી લઈને જુન મહિનાસુધી એક કરોડથી વધારે પ્રવાસી મજૂરો પગપાળા જ પોતાના ઘરે પાછા ફર્યા હતા.

જોકે સરકારે હજી સુધી એ નથી જણાવ્યું હતું કે, આ દરમિયાન કેટલા મજૂરોના મોત થયા હતા.માર્ગ પરિવહન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી વી કે સિંહે લોકસભામાં જવાબ આપ્યો હતો કે, મોટી સંખ્યામાં મજૂરો પોતાના ઘરે ગયા હતા.

અત્યાર સુધીના ડેટા પ્રમાણે આ પૈકીના ૧.૦૬ કરોડ શ્રમિકો ચાલતા ચાલતા જ ઘરે જવા માટે મજબૂર થયા હતા. માર્ચ થી જુન વચ્ચે રસ્તાઓ પર ૮૧૦૦૦ દુર્ઘટનાઓ સર્જાઈ હતી.જોકે મંત્રાલય પાસે પ્રવાસી મજૂરોના આ દુર્ઘટનામાં થયેલા મોતના અલગ ડેટા નથી.

તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે સતત રાજ્ય સરકારનો એડવાઈઝરી જાહેર કરીને મજૂરોને ભોજન અને રહેવાની તથા સારવારની વ્યવસ્થા કરવા માટે કહ્યુ હતુ.સરકાર દ્વારા પણ તેમના માટે આ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

કેટલીક જગ્યાએ સ્થાનિક તંત્ર દ્વારા તેમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧ મે પછી તેમને ઘરે પહોંચાડવા માટે બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરાઈ હતી.

(10:03 pm IST)