Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

લખનઉની ખાનગી હોસ્પિ.માં રિફર કરાયેલા ૪૮ દર્દીનાં મોત

ઉત્તર પ્રદેશના પાટનગરમાં સારવારમાં બેદરકારીઃ નોટિફાય કરાયેલી ચારેય હોસ્પિટલને નોટિસ પાઠવાઈ

લખનઉ, તા. ૨૩: યુપીના પાટનગર લખનઉમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની તપાસ, શિફ્ટિંગ અને સારવારમાં મોટી બેદરકારી બહાર આવી છે. શહેરના ચાર ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત ૪૮ દર્દીઓને રેફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તમામ ૪૮ દર્દીઓના મોત થઈ ગયા છે. આ અંગે ડીએમે ચારેય ખાનગી હોસ્પિટલોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. નોટિસ મુજબ બેદરકારી દાખવનાર ખાનગી હોસ્પિટલો સામે એપિડેમિક એક્ટ હેઠળ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

નિયમ મુજબ, હોસ્પિટલોમાં આવતા સામાન્ય દર્દીઓની પણ પહેલા કોરોનાની તપાસ થવી જોઈએ. મળતી માહિતી મુજબ ઘણી જગ્યાએ દર્દીઓને કોરોનાના ટેસ્ટ વગર દાખલ કરવામાં આવ્યા. બાદમાં જ્યારે દર્દીની તબિયત લથડી ત્યારે કોરોનાની તપાસ કરવામાં આવી. જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ઘણી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓને સ્થળાંતર કરવામાં પણ વિલંબ થવાના કિસ્સા બન્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ મુજબ, આ હોસ્પિટલોમાંથી સંદર્ભિત અને દાખલ કરાયેલા તમામ ૪૮ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા. ડીએમ અભિષેક પ્રકાશે જણાવ્યું હતું કે દર્દીઓની તપાસમાં બેદરકારી સામે આવી છે. આ અંગે હોસ્પિટલો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં પૂછવામાં આવ્યું છે કે અત્યાર સુધી રેફર કરાયેલા તમામ દર્દીઓના મોત પાછળનું કારણ શું છે? હોસ્પિટલોને નોટિસની સાથે મોતને ભેટનારા સંક્રમિતોની યાદી પણ સોંપવામાં આવી છે. ડીએમે કહ્યું કે જવાબ મળ્યા બાદ હોસ્પિટલની કાર્યવાહી કરવામાં આવશે.

(10:10 pm IST)