Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાની ખુરશી ખતરામાં : પાંચ મંત્રીઓની બંધ બારણે બેઠક: અટકળની આંધી

આપાતકાલીન મિટીંગમાં આગળની રણનીતિ ઉપર ચર્ચા

નવી દિલ્હી : કોરોના વાયરસના સંકટ વચ્ચે દેશના જુદા જુદા રાજ્યોમાં રાજકીય હલચલ સતત ચાલુ છે. ફરી એકવાર કર્ણાટકામાં ભાજપ સરકાર વચ્ચે રાજકીય ગરમાવો વધુ ગરમાયો છે. રાજ્યમાં થોડા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે બી.એસ. યેદિયુરપ્પાની મુખ્ય પ્રધાન પદની ખુરશીની વિદાય થઈ શકે છે. જો કે સત્તાધારી પક્ષે આ તમામ બાબતોને નકારી છે.

આ મામલે ગત રાત્રીએ બેંગલુરુમાં અંદાજીત પાંચ મંત્રીઓની બંધ બારણે બેઠક યોજાઈ હતી, અને આ મુદ્દા પર મંથન થયું હતું. ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારમાં પ્રધાન સુધાકરના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં અન્ય પાંચ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં યેદિયુરપ્પાની વિદાય જેવી સ્થિતિ સર્જાઈ શકે તો ત્યાર પછી ની રણનીતી પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સુધાકર ઉપરાંત બી.એસ.પટિલ, આનંદસિંહ, સોમાશેખર, નાગેશ (અપક્ષ ધારાસભ્ય) પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે  સિદ્ધારમૈયાની સરકારના પતન પછી આ તમામ ધારાસભ્યો બી.એસ. યેદિયુરપ્પાના આત્મવિશ્વાસ પર જ તે ભાજપ સાથે આવ્યા હતા, ત્યાર બાદમાં મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. નોંધપાત્ર છે કે જો આ સંકટમાં યેદિયુરપ્પાની જ મુખ્યમંત્રી પદ પરથી વિદાય થશે, તો તેમના ભવિષ્ય પર પણ સંકટના વાદળ છવાઈ શકે છે. ત્યારે આ આપાતકાલીન મિટીંગમાં આગળની રણનીતિ ઉપર ચર્ચા થઈ હતી.

(12:31 am IST)