Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોરોના ર૦ વર્ષ પજવશેઃ રસીથી માત્ર રક્ષણ મળશે

સીરમ ઇન્સ્ટીટયુટના પુનાવાલાનો ચોંકાવનારો દાવોઃ ર૦ વર્ષ સુધી કોવીડ-૧૯ની દવાની જરૂર રહેશેઃ ૧૦૦ ટકા રસીકરણ થાય તો પણ તેની જરૂર પડતી રહેશે : વેકસીન એક માત્ર ઉકેલ નથીઃ વેકસીન ઇમ્યુનીટી વધારે છે અને તમારી રક્ષા કરે છેઃ તમને બિમારીનું જોખમ ઓછુ રહે છે પણ તમે ૧૦૦ ટકા બચી નથી શકતા

નવી દિલ્હી, તા., ૨૩:  કોરોના વાયરસથી  સમગ્ર વિશ્વ ઝઝુમી રહયું છે અને વિશ્વ તેની વેકસીન બનાવવાની દોડમાં લાગેલું છે. ત્યારે વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટીટયુટના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે વિશ્વમાં આવતા ર૦ વર્ષ સુધી કોરોનાનું સંક્રમણ ચાલુ રહેશે અને ત્યાં સુધી કોવીડ-૧૯ની રસીની જરૂર પડશે. કોરોના વાયરસનું સંકટ માત્ર એક વખત રસીકરણ કાર્યક્રમ ચલાવવાથી પુરૂ નહી થાય. તેમણે કહયું છે કે આ સમય કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો છે.

બિઝનેસ ટુડે સાથેની વાતચીતમાં પુનાવાલાએ કહયું હતું કે ઇતિહાસમાં એક પણ એવું ઉદાહરણ નથી જયારે કોઇ વેકસીનને બંધ કરવામાં આવેલ હોય તેમણે કહયું છે કે સતત અનેક વર્ષોથી ફલુ, ન્યુમોનીયા, પોલીયો જેવી દવાઓ ચાલી આવી રહી છે. આમાથી કોઇપણને બંધ કરવામાં આવેલ નથી.

આવુ કોરોના વેકસીન સાથે પણ છે તેવું ઉમેરતા પુનાવાલાએ કહયું કે, જો કોરોના વેકસીનનું ૧૦૦ ટકા લેવલ મેળવી લેવાય છતા પણ ભવિષ્યમાં તેની જરૂર પડશે. તેમણે કહયું હતું કે વેકસીન અસલી ઉકેલી નથી. એ તમારી ઇમ્યુનીટીને વધારે છે અને તમારૂ રક્ષણ કરે છે. આનાથી બિમારીનું જોખમ ઓછું થાય છે પરંતુ તમે તેનાથી ૧૦૦ ટકા બચી નથી શકતા.

જો આપણે જનસંખ્યાના એક ભાગને વેકસીન આપશુ તો પણ તે પુરતુ નહી ગણાય એટલું જ નહી ૧૦૦ ટકા રસીકરણ બાદ પણ ભવિષ્યમાં આ દવાની જરૂર પડશે.  તેમણે ઉદાહરણ આપતા કહયું હતું કે બાળકોને અપાતી અનેક રસીઓ સફળ છે છતા પણ બાળકોને આપવામાં આવે છે.

અત્રે એ નોંધનીય છે કે વેકસીન તૈયાર કરવામાં સીરમે બીલ ગેટસની સંસ્થા સાથે હાથ મિલાવ્યા છે. આવતા વર્ષના પ્રારંભે તે વેકસીન બજારમાં ઉતારી શકે છે.

(3:56 pm IST)