Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમેરિકાએ બનાવી લીધી કોરોનાની રસી

ડીસેમ્બરની ૧૧ કે ૧૨ તારીખથી શરૂ થશે કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ

ન્યુયોર્ક, તા.૨૩: વિશ્વના ૨૦૦ જેટલા દેશોમાં કોરોનાનો કહેર જારી છે. વિશ્વભરમાં આ વાયરસે ૧૩.૮૦ લાખથી વધુનો ભોગ લીધો છે અને ૫.૮૧ કરોડ લોકો સંક્રમિત થયા છે. અમેરિકા આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અહિં ૨.૫૬ લાખથી વધુ લોકોને તે ભરખી ગયો છે. આ દરમ્યાન અહિંથી રસીકરણને લઇને મોટા સમાચાર આવ્યા છે. વ્હાઇટ હાઉસે માહિતી આપી છે કે અમેરિકામાં ૧૧ કે ૧૨ ડીસેમ્બરથી કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ શરૂ થઇ શકે છે.

કોરોના મહામારીના કહેર વચ્ચે દુનિયાભરની નજર હવે તેની વેકસીન પર છે. કોરોનાની વેકસીન બનાવા માટે તમામ દેશો પ્રયત્ન કરી રહ્યાં છે. આ વચ્ચે વેકસીનને લઇને એક સૌથી મોટા સારા સમાચાર સામે આવ્યાં છે. અમેરિકામાં કોરોના વેકસીન કાર્યક્રમના પ્રમુખ, મોન્સેફ સલોઇએ કહ્યું છે કે અમેરિકામાં ૧૧/૧૨ ડિસેમ્બરથી કોરોના વાયરસની પહેલી વેકસીન લગાવામાં આવી શકે છે.

ખરેખર તો કોરોના વેકસીન બનાવનારી અમેરિકાની દિગ્ગજ કંપની ફાઇજરએ શ્લ્ ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશનને એક અરજી સોંપી દીધી છે અને તેમાં વેકસીનના ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી માગી છે. FDA વેકસીન સલાહકાર સમિતિ ૧૦ ડિસેમ્બરના રોજ મળનારી છે.

અમેરિકાની કંપની ફાઇઝરે કોરોના વાયરસ સામે ૯૫ ટકા પ્રભાવશાળી રસી વિકિસત કરી છે, અને કંપની આ રસી માટે અમેરિકાની સરકાર પાસે કટોકટીમાં તેનો ઉપયોગ કરવાની માગ કરી રહી છે. ફાઇઝરે કહ્યું કે કટોકટી ઉપયોગ પ્રક્રિયાને જલ્દી શરુ કરી શકે છે.

સીએનએન સાથેની વાતચીતમાં સલોઇએ કહ્યું કે જો આ બેઠકમાં મંજૂરી મળી જાય છે તો વેકસીન બીજા દિવસથી ઉપલબ્ધ થઇ શકે છે. સલોઇએ કહ્યું કે અમારુ લક્ષ્ય છે કે મંજૂરી મળવાના ૨૪ કલાકની અંદર જ વેકસીન તે જગ્યાએ પહોંચાડવી, જયાં રસીનું કામ હોય. એટલે મને આશા છે કે ૧૧ અથવા ૧૨ ડિસેમ્બર સુધીમાં એવુ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ  બુધવારે ફાઇઝરે કહ્યું હતું કે વેકસીનની પરીક્ષણોના અંતિમ પરિણામો સામે આવી ગયા છે. કોરોના વાયરસ વેકસીન ૯૫ ટકા અસરકારક રહી છે.

અમેરિકામાં ફાઇઝર ૨૦ ડોલરનો એક ડોઝ આપી રહેલ છે એટલે કે રૂ.૧૫૦૦માં.

(10:01 am IST)