Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં આવી જશે કોરોનાની વેકસીન

સમાજના દરેક વર્ગને રસી મળે તે પ્રકારે સરકાર યોજના બનાવી રહી છેઃ સૌ પહેલા ડોકટરો, નર્સ અને મ્યુ. કોર્પોરેશનના વોરીયર્સને લગાવાશેઃ અસ્ટ્રાજેનેકા વેકસીન ખાનગી બજારમાં રૂ. ૫૦૦થી ૬૦૦ પ્રતિ ડોઝ મળશેઃ સરકારને તે અડધા ભાવે તે ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, તા. ૨૩ :. જો બધુ ઠીકઠાક રહ્યુ તો ભારતમાં કોરોના રસીનો પહેલો ડોઝ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે. અનેક વેકસીન બનાવતી કંપનીઓનું પરીક્ષણ અંતિમ ચરણમાં છે. લોકોને જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરી સુધીમાં વેકસીન મળી શકે છે. એટલુ જ નહિ તેનો ફાયદો સમાજના દરેક વર્ગના લોકોને મળે તે માટે સરકાર યોજના બનાવી રહી છે. વડાપ્રધાને હાલમાં જ કહ્યુ હતુ કે અમે વેકસીનના સ્ટોરેજથી લઈને વિતરણ સુધીની યોજના પર કામ કરી રહ્યા છીએ.

જો ફેબ્રુઆરી સુધીમાં વેકસીન આવી જાય તો સૌ પહેલા કોરોના વોરીયર્સનું રસીકરણ થશે. જેમાં ડોકટર, નર્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સામેલ છે. ફેબ્રુઆરી સુધીમાં વેકસીન આવવાની સંભાવના એટલા માટે પ્રબળ બની છે કે જો બ્રિટનમા વેકસીનના ઉપયોગને મંજુરી મળે તો ભારત સીરમને પણ વહેલીમા વહેલી તકે ઓકસફોર્ડ-અસ્ટ્રાજેનેકા વેકસીન માટે ઉપયોગને મંજુરી આપવાની યોજના બનાવી રહ્યુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતમાં બે ડોઝવાળા રસીની એમઆરપી રૂ. ૫૦૦ થી ૬૦૦ હશે અને તેના અડધી કિંમતે ખરીદવાની સરકાર યોજના બનાવી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસ્ટ્રાજેનેકા દ્વારા કરવામાં આવેલા પરીક્ષણના આંકડા આવતા મહિને આવી જશે અને તે પછી તેને ભારતીય ઓથોરીટીને સોંપી દેવાશે. સીરમના વડા પુનાવાલાએ હાલમાં જ કહ્યુ હતુ કે અમારી કંપની ડીસેમ્બરમાં ઔષધી નિયામક સમક્ષ આંકડા સોંપશે અને અરજી કરશે. જો જાન્યુઆરીમાં મંજુરી મળે તો સીરમ-અસ્ટ્રાજેનેકા આ રસી જાન્યુઆરી કે ફેબ્રુઆરીના અંત સુધીમાં લોકોને આપવાનુ શરૂ થશે. લગભગ ૧૦ કરોડ ડોઝ ભારત માટે લવાશે. સરકાર માટે આ રસીનો ભાવ ૨૫૦ થી ૩૦૦ રૂ. પ્રતિ ડોઝ હોય શકે છે. જ્યારે એસઆઈઆઈ દ્વારા એપ્રિલ કે મે મહિનાથી ખાનગી બજારમાં તેને ૫૦૦થી ૬૦૦ રૂ.ના ભાવે વેચવાની તૈયારીમાં છે.

(10:12 am IST)