Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કેરળમાં કાળો કાયદો

સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ માટે પાંચ વર્ષની કેદ

વાણી સ્વતંત્રતા અને અખબારી આઝાદી પર ફટકો, સુપ્રીમે અગાઉ જોગવાઇ ફગાવ્યા છતાં કેરળની ડાબેરી સરકારનો વટહુકમ

તિરૂવનંતપુરમ, તા. ર૩ : કેરળ સરકારે કોઇપણ સોશિયલ મીડિયા કે કોઇપણ ડિજિટલ પ્લેટફોર્મ પર સરકારને વાંધાજનક જણાય તેવી પોસ્ટ માટે પાંચ વર્ષની કેદની જોગવાઇ કરતો વટહુકમ પ્રગટ કર્યો છે. રાજયપાલ આરીફ મોહમ્મદ ખાને તેને મંજુરી પણ આપી દીધી છે. કેરળ સરકારના આ પગલાનો ભારે વિરોધ થઇ રહ્યો છે કારણ કે તેનાથી બંધારણમાં સુનિશ્ચિત કરાયેલા વાણી સ્વતંત્રતાના અધિકારનું હનન થાય તેવી શકયતા નિષ્ણાતો જોઇ રહ્યા છે. આ વટહુકમ હેઠળ કેરળ પોલીસ એકટમાં ૧૧૮ એનો ઉમેરો કરવામાં આવ્યો છે. તે અનુસાર કોઇપણ વ્યકિત કોમ્યુનિકેશનના કોઇપણ પ્લેટફોર્મ મારફત જો અન્ય વ્યકિતને વાંધાજનક લાગે અથવા તો તેને ધમકી આપતી હોય તેવો ઇરાદો ધરાવતી કે આક્રમ્મક પોસ્ટ લખશે કે પછી મોકલશે તો તે ગુનો ગણાશે. આ ગુના માટે દોષિત સાબિત થાય તેને પાંચ વર્ષની કેદ અથવા તો રૂપિયા દસ હજારનો દંડ અથવા તો બંને સજા આપવામાં આવશે.

આ કાયદાની વાણી સ્વતંત્રતાના અધિકાર પર માઠી અસર થઇ શકે છે. સરકાર કઇ પોસ્ટને વાંધાજનક ગણે છે અને કઇ નહીં તે હંમેશા વિવાદનો વિષય રહે છે. આ કાયદા થકી સરકાર પોતાના રાજકીય વિરોધીઓને ડામવા કે પછી રાજકીય અસંતોષ વ્યકત કરતી કોઇપણ વ્યકિતને પાઠ ભણાવી શકે છે.

કેરળના એડવોકેટ અનૂપ કુમારને અગાઉ આ કાયદાની કલમ ૧૧૮ ડીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. તેમણે કહ્યું હતું કે પોતે આ વટહુકમને પણ હાઇકોર્ટમાં પડકારશે. સરકારનો દાવો છે કે આ નવો વટહુકમ ખાસ તો મહિલાઓને સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીથી બચાવવાનો છે, પરંતુ વાસ્તવમાં નવા કાયદાનો ઉપયોગ સરકાર પોતાના ટીકાકારોને પાઠ ભણાવવા માટે કરશે એવો અંદેશો છે.

કેરળ સરકારે અગાઉ કેબિનેટમાં આવા વટહુકમની ભલામણ કરતી વખતે એવું કારણ આપ્યું હતું કે કેરળ હાઇકોર્ટે અગાઉ એક ચુકાદામાં રાજયની પોલીસને સોશિયલ મીડિયા પર હેટ કેમ્પેઇન તથા શાબ્દિ હુમલા સામે પગલા ભરવા માટે જણાવ્યું હતું. હાલના કાયદાકીય માળખામાં સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ સામે પગલા લેવા પૂરતી જોગવાઇ નથી. (૮.પ)

સુપ્રીમ કોર્ટે અગાઉ આવી કલમ ફગાવી હતી

સુપ્રીમ કોર્ટ અગાઉ કેરળ પોલીસ એકટની કલમ ૧૧૮ ડીને એમ કહીને ફગાવી ચૂકી છે કે વાણી તથા અભિવ્યકિતના મૂળભૂત અધિકારનો ભંગ કરવો એ ગેરબંધારણીય કૃત્ય છે

અન્ય રાજયો અનુસરી શકે 

દેશના મોટાભાગના રાજયો સોશિયલ મીડિયા પોસ્ટ થકી વાણી સ્વતંત્રતા પર તરાપ મારવા માટે ટાંપીને બેઠી છે. વાસ્તવમાં યુપી, મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળ સહિતના રાજયોમાં સરકારો જુદા જુદા તબક્કે આવી પોસ્ટ સંદર્ભમાં કેસ પણ કરી ચૂકી છે. કેરળ સરકારનો પ્રયોગ સફળ થાય તો દેશના અન્ય રાજયોમાં પણ સોશિયલ મીડિયા પોસ્ટ માટે જેલની આકરી સજાની જોગવાઇ આવી શકે.

(11:39 am IST)