Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

લેન્ડિંગ માટે બે-બે એર સ્ટ્રિપ ધરાવતું યુપી પહેલું રાજ્ય

એરફોર્સને પાકિસ્તાન-ચીન સામેના યુદ્ધમાં લાભ થશે : પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ૩૦૦ મીટર લાંબી એર સ્ટ્રિપનું કામ પૂર્ણ : લખનૌ-આગરાપરની એર સ્ટ્રિપ પહેલાથી તૈયાર

નવીદિલ્હી, તા. ૨૪ : ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી ગાઝીપુર સુધી બનાવવામાં આવતા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર પણ એર સ્ટ્રીપ બનીને પૂર્ણ થઈ ગઈ છે. ૩૦૦ મીટર લાંબી એર સ્ટ્રિપ સાથે જ યુપી એક્સપ્રેસ વે પર બે એરસ્ટ્રિપ્સ બનાવનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. અગાઉ, લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પરની એર સ્ટ્રિપ પહેલાથી જ તૈયાર છે.

ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું કે, 'અમે વાયુસેનાને અપીલ કરીશું કે તેઓ જલ્દી જ એર સ્ટ્રિપ પર પ્લેન ઉતારીને પરીક્ષણ કરે. પૂર્વાંચલ એક્સપ્રેસ વેના સમાપ્ત થવા પર તમે રાજ્યના પૂર્વ છેડેથી પૂર્વાંચલ એક્સપ્રેસ વે, મધ્યમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે, પશ્ચિમમાં યમુના એક્સપ્રેસ વે દ્વારા આખું યુપી એક્સપ્રેસ વે રોડ પરથી પાર કરી શકશો.'

તેમણે કહ્યું, 'પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ૩૦૦ મીટર લાંબી એર સ્ટ્રિપનું કામ પૂર્ણ થયું છે. રાજ્યમાં એક્સપ્રેસ વે પર બનેલ આ બીજી એર સ્ટ્રિપ છે. દરેક વર્ગના પ્લેન તેના પર ઉતારી શકાય છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પરની આ એર સ્ટ્રિપ સુલતાનપુર જિલ્લાના કુરેભાર નજીક બનાવવામાં આવી છે.

ભારતીય વાયુસેનાએ અગાઉ આગ્રા એક્સપ્રેસ વે પર મિરાજ ૨૦૦૦, જગુઆર, સુખોઇ ૩૦ અને સુપર હર્ક્યુલસ જેવા જહાજો ઉતરીને પરીક્ષણો કર્યા છે. ઉત્તર પ્રદેશની આ બંને એર સ્ટ્રિપથી એરફોર્સ પાકિસ્તાન અને ચીન સામેના યુદ્ધમાં પ્રતિક્રિયા આપી શકે છે.

(7:57 pm IST)