Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ઓસીમાં એક સાથે ૩૮૦ વ્હેલ માછલીનું આશ્ચર્યજનક મોત

૪૬૦ વ્હેલ ફસાઈ ગઈ હતી : કેટલીકને બચાવાઇઆ ઝુંડ તરતું તરતું દરિયા કિનારાની નજીક આવી ગયું હતું અને છીછરા પાણીના કારણે માછલીઓ ફસાઈ ગઈ

કેનબેરા, તા. ૨૩: એક આશ્ચર્ય અને આઘાત પમાડે તેવી ઘટનામાં ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા સ્ટેટના દરિયા કિનારે ૩૮૦ પાયલોટ વ્હેલ માછલીઓના મોત થયાં છે. વિરાટકાય વ્હેલ માછલીઓના મૃતદેહ પાણીમાં તરતા જોઈને લોકો દુઃખી થઈ ગયા હતા. એવું મનાય છે કે, આ માછલીઓ મોટા જૂથમાં રહેવા ટેવાયેલી છે અને આ દુર્ઘટનામાં માછલીઓનું આખું જૂથ સાફ થઈ ગયું છે. રેસ્ક્યુ ટીમના ભરપૂર પ્રયાસો છતાં માત્ર ગણતરીની વ્હેલને બચાવવામાં સફળતા મળી હતી. મળતી વિગતો પ્રમાણે વ્હેલ માછલીઓનુ આ ઝુંડ તરતું-તરતું દરિયા કિનારાની નજીક આવી ગયું હતું અને છીછરા પાણીના કારણે માછલીઓ ફસાઈ ગઈ હતી. એ પછી ઉંડા પાણીમાં તે પાછી જઈ શકી નહોતી.  પાયલોટ વ્હેલ માછલીઓની પ્રજાતિ ડોલ્ફીનને મળતી આવે છે. તે ૨૩ ફૂટ સુધી લાંબી અને ૩૦૦૦ કિલો વજન ધરાવતી હોઈ શકે છે. ફસાઈ ગયેલી માછલીઓની સંખ્યા લગભગ ૪૬૦ જેટલી હતી. જેમાંથી થોડી માછલીઓને બચાવી લેવામાં આવી હતી.હાલમાં પણ બીજી ૩૦ જેટલી માછલીઓ દરિયા કિનારે ફસાયેલી છે અને તે જીવતી છે.

ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનાર પર વ્હેલ માછલીઓ આટલી મોટી સંખ્યામાં આવી ગઈ હોય તેવી આ પહેલી ઘટના છે. ૬૦ જેટલા સભ્યો તેમને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જોકે પાણી વધારે ઠંડું હોવાથી રાહતકાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

(12:00 am IST)