Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સરકારે હવે અનાજ, ડુંગળીને જરૂરી વસ્તુમાંથી બહાર કાઢી

વિપક્ષની ગેરહાજરીમાં રાજ્યસભામાં ૭ બિલ પસારઃ આ વસ્તુઓનો સંગ્રહ બદલ એસેન્શિયલ કોમોડિટી એક્ટનો ગુનો લાગુ પડશે નહીં : ત્રીજું કૃષિ વિધેયક પણ પસાર થયું

નવી દિલ્હી, તા. ૨૩: કેન્દ્ર સરકારે વિરોધ પક્ષોની ગેરહાજરીમાં બુધવારે ત્રીજું કૃષિ વિધેયક પસાર કરાવી દીધું હતું. આ સાથે બે દિવસમાં સાત બિલ પસાર કરી દેવાયાં છે. બુધવારે જે બિલ પસાર કરાયું તેમાં અનાજ અને ડુંગળીને આવશ્યક ચીજવસ્તુમાંથી બાકાત કરી નાખવામાં આવી છે. મતલબકે, કોઈ હવે તેનો સંઘરો કરે તો તેની સામે એસેન્શિયલ કોમોડિટી એક્ટનો ગુનો લાગુ પડશે નહીં.

કૃષિ વિધેયક વિરુદ્ધ ખેડૂતોનો આક્રોશ પંજાબ, હરિયાણા થઈને મંગળવારે દિલ્હી પહોંચ્યો હતો. બીજી બાજુ, વિપક્ષે રાજ્યસભામાંથી ૮ સાંસદને અપાયેલી સજા અંગે બીજા દિવસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે તેઓ સાંસદોનું સસ્પેન્સન રદ કરવા અને ખાનગી કંપની ટેકાના ભાવથી નીચે કૃષિ પેદાશ ખરીદી શકે નહીં અને સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવા વધુ એક વિધેયક લાવવાની માગ કરે છે. જ્યાં સુધી આ માગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ સંસદના સત્રનો બહિષ્કાર કરશે. દરમિયાન કૃષિ સંબંધિત ત્રીજું વિધેયક આવશ્યક વસ્તુ અધિનિયમ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે સરકારે સાડાત્રણ કલાકમાં ૭ વિધેયક રાજ્યસભામાં પસાર કરાવ્યાં છે. આ વિધેયક પસાર થવાથી આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી અનાજ, દાળ, તેલીબિયાં, ખાદ્યતેલ, ડુંગળી, બટાકા હટી જશે. ઉપરાંત સ્ટોક લિમિટ પણ સમાપ્ત કરવાની જોગવાઈ આ વિધેયકમાં છે. બીજેડી, વાયએસઆર કોંગ્રેસ, ટીડીપી જેવા પક્ષોએ વિધેયકને ટેકો આપ્યો હતો.

(12:00 am IST)