Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પાકિસ્તાનમાં રેપના 82 ટકા કેસમાં પીડિતના પરિવાર અપરાધી :પાકિસ્તાની સાંસદનો દાવો

શનદાના ગુલઝારે કહ્યું હતું કે, 'યૌન હિંસા બાદ જ્યારે પીડિત છોકરીઓ ગર્ભવતી થાય તો ફરિયાદ કરવાને બદલે ગર્ભપાત કરાવાય છે

 

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં મહિલાઓ સાથેના દુષ્કર્મની વધતી ઘટનાઓ પર એક સાંસદે હિંસા અને હેવાનિયતના દુ:ખદ આંકડા રજૂ કર્યા છે. નેશનલ એસેમ્બલી ઓફ પાકિસ્તાનની નેતા શનદાના ગુલઝારે એક ટેલિવિઝન ડિબેટમાં દાવો કર્યો હતો કે, દેશમાં રેપના 82 ટકાથી વધારે કેસોમાં પીડિત પરિવારના સભ્યો અપરાધી મળી આવે છે. શનદાના ગુલઝારે મહિલાઓના અધિકારોનું સંરક્ષણ કરનારું સંગઠન 'વોર ઓન રેપ' (WAR) દ્વારા એકત્ર કરાયેલા આંકડાઓને સામે રાખ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં રેપની ઘટનાઓ બાદ બાળકીઓ કે ગાયનેકોલોજીસ્ટને પૂછવામાં આવે છે કે રેપ કોણે કર્યો તો 82 ટકાથી વધારે કેસોમાં પીડિતના પિતા, ભાઈ, દાદા, નાના અને કાકા અપરાધી સાબિત થાય છે.

ટી.વી. ડિબેટ દરમિયાન શનદાના ગુલઝારે કહ્યું હતું કે, 'યૌન હિંસા બાદ જ્યારે પીડિત છોકરીઓ ગર્ભવતી થાય છે, તો પરિવારના સભ્યો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની જગ્યાએ તેને અબોર્શન (ગર્ભપાત) કરાવવા ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ જાય છે. છોકરીઓને તેમની મા તેમને એમ કહીને પોલીસ પાસે નથી લઈ જતી કે, તે પોતાના પતિને છોડી શકતી નથી. તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે પાકિસ્તાનમાં બે ગુનેગારોએ એક મહિલાને બંદૂક દેખાડીને તેની બે બાળકીઓ સામે સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. ગુનેગારોએ સ્વીકાર્યું હતું કે, મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેઓ પૈસા અને ઘરેણાં પણ લઈને ફરાર થઈ ગયા હતા.

(12:54 am IST)