Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

દેશના સરહદી વિસ્તારોમાં બનેલ 43 પુલોને રક્ષામંત્રી રાજનાથસિંહ રાષ્ટ્રને સમર્પિત કરશે

રક્ષા મંત્રી સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુલોનું ઉદ્ઘાટન ઓનલાઇન કરશે

નવી દિલ્હી :રક્ષામંત્રી  રાજનાથ સિંહ લદાખ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં બનેલ 43 પુલોને રાષ્ટ્રને સમર્પિત કરશે. અધિકારીઓએ જણાવ્યું કે 43 પુલોમાં લદાખના સાત પુલ સામેલ છે, જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે અને તે સશસ્ત્ર દળોના સૈનિકો અને હથિયારોને અવર-જવરમાં મદદ કરશે.

એક અધિકારીએ કહ્યું કે, રક્ષા મંત્રી સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુલોનું ઉદ્ઘાટન એક ઓનલાઇન કાર્યક્રમમાં કરશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્મિત આ પુલોનું ઉદ્ઘાટન એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે પૂર્વ લદાખમાં ભારત અને ચીનની વચ્ચે ગતિરોધ ઉત્પન્ન છે.

આ પુલોમાંથી 10 જમ્મુ-કાશ્મીરમાં, બે હિમાલચ પ્રદેશમાં, આઠ-આઠ ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશ અને ચાર-ચાર સિક્કિમ અને પંજાબમાં સ્થિત છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજનાથ સિંહ અરૂણાચલ પ્રદેશમાં તવાંગ જનારા એક અગત્યના રોડ પર નેચિફૂ સુરંગની પણ આધારશિલા રાખશે.
આ પુલોની મદદથી લાઇન ઓફ ક્ધટ્રોલ અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની તૈનાતીમાં સરળતા મળશે, સાથોસાથ સરહદ પર તૈનાત સૈનિકોની મદદ માટે હથિયાર અને અન્ય સામગ્રી સરળતાથી પહોંચાડી શકાશે. આ ઉપરાંત આ પુલોથી સ્થાનિક લોકોને પણ લાભ મળશે.

(11:25 am IST)