Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કેરળ સરકાર કૃષિ બીલોની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે

કેન્દ્ર સરકારના નિર્ણયથી રાજયની સત્તાઓમાં દખલ થાય છે અને તે સંઘીય બંધારણની વિરૂધ્ધ છે

કોચી,તા. ૨૪: સીપીઆઈ (એમ) ની આગેવાનીવાળી કેરળ સરકારે ત્રણ દિવસ પહેલા સંસદમાં પસાર થયેલા કૃષિ બીલો સામે સુપ્રીમ કોર્ટમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. કેરળ સરકારે બુધવારે નિર્ણય લેતા કહ્યું છે કે મોદી સરકારે પાસ કરેલા બીલો સંઘીય બંધારણનું ઉલ્લંઘન કરે છે, કેમ કે કૃષિ સહવર્તી સૂચિમાં આવે છે.

આ અગાઉ રાજયના કૃષિ મંત્રી વીસી સુનિલ કુમારે કાયદાકીય અભિપ્રાય લીધો હતો અને સલાહ આપવામાં આવી હતી કે આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. રાજયના પ્રધાનમંડળે બુધવારે આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી અને એવું કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયથી રાજયની સત્તાઓમાં દખલ થાય છે અને તે સંઘીય બંધારણની વિરુદ્ઘ છે.

કુરોના ચેપગ્રસ્ત હોવાના કારણે ઓનલાઈન કેબિનેટની બેઠકમાં હાજર રહેલા કુમારે કહ્યું હતું કે, કૃષિ બંધારણના સાતમા શેડ્યૂલમાં છે. આ બિલ રજૂ થયા પહેલા એક પણ રાજયનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો. ખેડૂત સંગઠનોને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. અમારું માનવું છે કે આ કાયદાઓથી મોટા ઉઘોગકારોને જ ફાયદો થશે. ' 

મંત્રીએ કહ્યું કે રાજય સરકાર કૃષિ સહકારી અને સ્વ-સહાય જૂથોમાં મોટા પાયે વૈકલ્પિક મિકેનિઝમ રજૂ કરશે. મંત્રીએ કહ્યું કે,'દેશભરમાં લાખો ખેડુતો દયનીય જીવન જીવી રહ્યા છે અને ઘણાએ આત્મહત્યા કરી છે. રોગચાળોની લપેટમાં હવે મોદી સરકાર સુધારાના નામે અનેક નીતિઓ લઈને આવી છે. આ ફકત મોટા ખેડૂત કોર્પોરેટરોને મદદ કરશે.'

જોકે કેરળ એ કૃષિ આધારિત રાજય નથી. ૨૫ સપ્ટેમ્બરના રોજ અનેક કૃષિ સંગઠનોએ દેશવ્યાપી વિરોધને ટેકો આપ્યો છે. રાજયસભામાં કૃષિ બીલો પસાર થવા દરમિયાન થયેલા ધાંધલ ધમાલના કારણે સસ્પેન્ડ કરાયેલા ૮ સાંસદોમાંથી બે કે.કે. રાગેશ અને ઇલામોરમ કરીમ કેરળના છે.

(11:28 am IST)