Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

દાંત સાફ કરતાં કરતાં આખું ટૂથબ્રશ જ પેટમાં ઉતરી ગયું: ડોકટર પાસે સર્જરી કરાવીને બહાર કઢાવવું પડ્યું

નવી દિલ્હી,તા. ૨૪: અરૂણાચલ પ્રદેશની રોઇંગ લોઅર દિબાંગ વેલીનો રહેવાસી ૩૯ વર્ષનો માણસ ગઈ ૧૫ સપ્ટેમ્બરે દાંત ઘસતો હતો ત્યારે બ્રશ છેક ગળા સુધી લઈ ગયો. આકસ્મિક રીતે એ બ્રશ સીધું પેટમાં ઊતરી ગયું. ત્યાર પછી એ માણસ સીધો ડોકટરો પાસે પહોંચ્યો. ડોકટરોને એ સ્થિતિમાં જોખમ જણાતાં દરદીના પેટમાંથી બ્રશ કાઢવાની જહેમત શરૂ કરી. ચોવીસ કલાકમાં દરદીના પેટમાંથી બ્રશ કાઢી નાખતાં તેને રાહત થઈ હતી.

૧૫મીએ બ્રશ પેટમાં જવાને કારણે અચાનક મુશ્કેલી ઊભી થતાં દરદીને સ્થાનિક ડોકટર પાસે લઈ જવાયો હતો. ડોકટરની સલાહ મુજબ તેને બકીન પર્ટીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં લેવાયેલા એકસરેમાં ઉદર પટલ સુધીના ભાગમાં બ્રશ ન દેખાયું ત્યારે કેસ બીજા સજર્યનને રિફર કર્યો હતો.

બીજા સજર્યને બ્રશ પેટમાં ઊતરી ગયું હોવાની શકયતા દર્શાવતાં દરદીની કેટલીક ટેસ્ટ કરવામાં આવી હતી. દરદીને પેટમાં કે અન્ય ભાગમાં કયાંય દુખાવો થતો નહોતો, પરંતુ પેટના ઉપરના ભાગમાં સહેજ અસ્વસ્થતા જણાતી હતી. છેવટે સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. જનરલ એનેસ્થેશિયામાં ૩૫ મિનિટની સર્જરી બાદ બ્રશ પેટમાંથી કાઢવામાં સફળતા મળી હતી.

(11:35 am IST)