Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અકાલીદળ બાદ જેડીયુએ ધોકો પછડાયો : કહ્યું સરકાર ખેડૂતોની વાત સાંભળે, એકપક્ષી નિર્ણય ન લેવો જોઇએ

ટેકાના લઘુતમ ભાવ કરતાં ઓછી કિંમતે સોદા થાય એને ગુનો ગણવો જોઇએ

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ગયા છે ત્યારે કૃષિ ખરડા અંગે હવે જદયુએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. જદયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઇએ. આવા સંવેદનશીલ મૂદ્દે એકપક્ષી નિર્ણય ન લેવો જોઇએ.

 આ  અગાઉ એનડીએના એક ઘટ પક્ષ શિરોમણી અકાલી દળે આ મુદ્દે વિરોધ વ્યક્ત કરીને અકાલી દળના હરસિમરત કૌરે કેન્દ્રના પ્રધાન મંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જદયુએ આવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. કૃષિ ખરડો રાજ્યસભામાં પસાર થઇ ગયો એ માટે આનંદ વ્યક્ત કરતાં કરતાં ત્યાગીએ કહ્યું કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ( ટેકાના લઘુતમ ભાવ) કરતાં ઓછી કિંમતે સોદા થાય એને ગુનો ગણવો જોઇએ. એક એવો કાયદો ઘડાવો જોઇએ જેથી કોઇ પણ વ્યક્તિ ટેકાના લઘુતમ ભાવથી ઓછી કિંમતે કૃષિ પેદાશ ખરીદી ન શકે. આ બાબતને સજાપાત્ર ગુનો બનાવવો જોઇએ.

રાજ્યસભાના સાંસદ અને જદયુના પ્રમુખ કેસી ત્યાગીએ વધુમાં કેન્દ્ર સરકારને એવી વિનંતી કરી હતી કે સરકારે ખેડૂતોને પણ સાંભળવા જોઇએ. અત્યારે જે કૃષિ ખરડા પસાર થયા છે એ પગલું એકપક્ષી હતું. સરકારે ખેડૂતો સાથે ચર્ચા કર્યા પછી આ પગલું લેવું જોઇતું હતું. તમે આ મુદ્દે નીતિશ કુમાર સાથે વાત કરીને વડા પ્રધાનને તમારા અભિપ્રાયની જાણ કરી છે કે એવા સવાલના જવાબમાં ત્યાગીએ કહ્યું કે ટેકાના લઘુતમ ભાવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવી ખાતરી વડા પ્રધાન આપી ચૂક્યા છે.

(11:36 am IST)