Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રોજે રોજ થતાં નવા ખુલાસા

અમેરિકામાં કોરોનાની બીજી લહેર ખતરનાક

૧૦૦૦માંથી ૯૯ ટકા સેમ્પલમાં વાયરસે સ્વરૂપ બદલ્યું

વોશિંગ્ટન,તા. ૨૪: વિશ્વભરમાં કહેર મચાવી રહેલ કોરોના વાયરસ અંગે નવા નવા ખુલાસાઓ જાહેર થઇ રહ્યા છે. હયુસ્ટનના વૈજ્ઞાનિકોએ ગઇ કાલે કોરોના વાયરસની પાંચ હજાર સીકવન્સ પર કરેલ અભ્યાસનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. અને ખતરનાક બનતો જાય છે.

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, કોરોના વાયરસ મ્યુટેશન (ઉત્પરિવર્તન) એવા સંક્રમિત દર્દીઓમાં મળ્યું જેનામાં ઉચ્ચ વાયરલ લોડ હતો. આ અભ્યાસને બુધવારે પ્રીપિંટ સર્વર મેક રિકસીવ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ અભ્યાસને અમેરિકામાં વાયરસના જેનેટીક સીકવન્સનું અત્યાર સુધીનું સૌથી મોટું સેમ્પલ એકત્રીકરણ માનવામાં આવે છે. આ પહેલા ગ્રેટ બ્રિટનમાં આનાથી મોટી જેનેટીક સીકવન્સ પ્રકાશિત કરાઇ હતી.

હયુસ્ટન અભ્યાસની જેમ તેમાં પણ એવું તારણ નિકળ્યું હતું કે મ્યુટેશન જે વાયરસની સપાટી પર 'સ્પાઇક પ્રોટીન' ની સંરચનાને બદલે છે અને આ વાયરસને વધારે ફેલાવે છે. હયુસ્ટન અને આસપાસમાં કોરોના વાયરસની બીજી લહેરમાં જોવા મળ્યુ કે લગભગ ૧૦૦૦ કેસોમાંથી ૯૯ ટકામાં વાયરસ ડી૬૧૪જી મ્યુટેશન મળી આવ્યું હતું. તેનાથી આ વાયરસ અંગેની ચિંતાઓમાં વધારો થયો છે.

નવા રિપોર્ટમાં જો કે એ નથી જણાવાયું કે મ્યુટેશનથી આ વાયરસ વધુ જીવલેણ બન્યો છે કે નહીં. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મોટાભાગના વાયરસો ઉત્પરિવર્તિત થતા રહે છે. SARS-COV-2 જેવા કોરોના વાયરસ પ્રમાણમાં સ્થિત હોય છે. કેમ કે તેમની પાસે પ્રતિકૃતિ બનાવવા માટે એક તંત્ર હોય છે.

અત્યારે વાયરસ કોઇ પાસાની જેમ ફરી રહ્યો છે અને અમેરિકામાં રોજના હજારો નવા કેસો જાહેર થઇ રહ્યા છે. આ અભ્યાસના લેખક અને હયુસ્ટન મેથોડીસ્ટ હોસ્પિટલના જેમ્સ મુસરનું કહેવું છે કે વાયરસના સતત સ્વરૂપ બદલવાથી મુશ્કેલીઓ વધી રહી છે.

(2:25 pm IST)