Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને થયેલી યાતના માટે ''ફેક ન્યૂઝ'' જવાબદાર

ફેકટ ન્યૂઝ - ફેક ન્યૂઝ તફાવત કોણ કરશે? કોરોના કહેર વચ્ચે આ મહામારીથી બચવાની ઉપચાર પઘ્ધતિના સમાચારોની વોટ્સએપમાં ભરમાર : રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી જાવડેકરે કહ્યું 'ફેક ન્યૂઝ' સૌથી મોટી સમસ્યા

 રાજકોટઃતા ૨૪, લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોએ ભોગવેલી અપાર યાતના અંગે કેન્દ્રીય ગૃહરાજયમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં સ્પષ્ટતા કરતા કહી દીધું કે મજૂરોની આ ત્રાસદી માટે કોઈ જવાબદાર હતું તો તે નકલી સમાચાર(ફેક ન્યૂઝ) સરકારની આ સ્પષ્ટતા બાદ સવાલ ઊઠે કે શું નકલી સમાચાર ખરેખર પ્રવાસી મજૂરોને મળેલી યાતનાઓ માટે જવાબદાર હતા?ખેર એ અલગ ચર્ચાનો વિષય છે.આજે આપણે કોરોનાથી પણ વધુ ઝડપથી ફેલાતી ફેક ન્યૂઝની બદી પર વાત કરીએ.

 કોઈ ચોકકસ ઈરાદો પાર પાડવા કે ખાસ પ્રકારનો હેતુ સિઘ્ધ કરવાના ઈરાદાથી સત્યથી અળગા થઈ અથવા તો સત્યને તોડી મરોડી બિલકુલ વિપરીત રીતે રજુ કરવાની આ કળાને ફેક ન્યુઝ કહેવામાં આવે છે. વોટસએપના આ દૌરમાં સામાન્ય લોકોને એ વાતનો ખ્યાલ જ નથી રહેતો કે તેઓ કયારેય ફેક ન્યુઝના શિકાર થઈ ગયા અને તેમના થકી અન્ય કેટલાક લોકો આ ફેક ન્યુઝને સાચા માની લીધા છે. થોડા સમય પૂર્વે રાષ્ટ્રીય પ્રેસ દિવસનાં અવસર પર કેન્દ્રીય સુચના પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ફેક ન્યુઝ સૌથી મોટી સમસ્યા છે અને તેના પર અંકુશ લગાવવા અંગેના પગલાઓ બાબતે ચર્ચાઓ કરવી જરૂરી બની ગઈ છે.

એ વાત ચોકકસપણે સ્વીકારવી પડે કે વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર એ ફેક ન્યુઝ છે સાચા સમાચારને લોકો સુધી પહોંચવામાં સમય લાગી શકે પરંતુ ફેક ન્યુઝ પાંખો પર સવાર હોય તેમ જંગલમાં દવની જેમ ફેલાવવા લાગે છે અને તેને અટકાવવા મુશ્કેલ બની જતા હોય છે. કોરોના કાળ વચ્ચે હાલના દિવસોમાં ખાસ કરીને કોરોના સંબંધિત જે સમાચારો આવી રહ્યા છે તેમા સાચું શું અને ખોટુ શું તે નકકી કરવું મુશ્કેલ બની જાય છે. આપણે આપણા મોબાઈલની સ્ક્રીન ચાલુ કરતા જ કોરોનાની એક નવી દવા સાથેના સમાચાર તમારા મોબાઈલ પર ડિસ્પ્લે થાય છે કે આ ઉ૫ચાર કરવાથી કોરોના સામે જંગ જીતી શકાય પરંતુ ખરેખર આ સમાચાર કોઈ તબીબ કે તજજ્ઞોનો અભિપ્રાય લઈને બનાવવામાં આવ્યા છે કે કેમ ? તે અંગેની પુષ્ટિ કયાંય થઈ શકતી નથી અને મોટાભાગે લોકો આ સમાચારમાં ખરેખર તથ્ય છે કે કેમ તેની પળોજણમાં પડવાના બદલે તેને જ સત્ય માની લેતા હોય છે અને પરિણામ સ્વરૂપ કયારેક આવા સમાચારો થકી લોકોને આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 ફેક ન્યુઝ એ સમાજનું એક મોટુ દુષણ જ કહી શકાય કારણકે કેટલીક વખત કોઈ જ્ઞાતિ કે ધર્મને સંબંધિત કોઈ સમાચારને લઈ મોટો વિવાદ ખડો થઈ જતો હોય છે અને તેના પરીણામ સ્વરૂપ બે કોમ વચ્ચે કે બે જ્ઞાતિ વચ્ચે વૈમન્સ્ય ઉભું થાય છે જે બાબત ધીમે-ધીમે કરીને ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે પરંતુ તેમ છતાં ફેક ન્યુઝની આ ભરમારને અટકાવવા માટે હજુ સુધી કોઈ ગંભીર પગલા કે અસરકારક પગલા લેવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું નથી.

 તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે, સોશિયલ મીડિયાને લઈ દિશા-નિર્દેશની સખત જરૂર છે જેથી કરીને લોકોને સાચા સમાચાર અને ભ્રમિત કરનાર સમાચારો અંગેની જાણકારી થઇ શકે. સુપ્રીમ કોર્ટની આ ટકોર માત્ર સોશિયલ મીડિયા પુરતી મર્યાદિત ન હતી પરંતુ ખાસ કરીને ફેક ન્યુઝને કેન્દ્રમાં રાખી આ ટીપ્પણી કરવામાં આવી હતી. સરકાર આ મામલે ગંભીર પગલા કયારે લેશે તે બાબતને સરકાર પર જ છોડીએ પરંતુ આપણે ચોકકસપણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે આપણા મોબાઈલમાં વોટસએપમાં આવતા બ્રેકિંગ ન્યુઝ કે કોઈ વેબસાઈટ પર જોવા મળતા સમાચાર ખરેખર સત્ય છે કે નહીં તે જાણ્યા વગર કમ સે કમ આપણે બીજાને તે મેસેજ ફોરવર્ડ ન કરીએ માત્ર આ કાળજી રાખવાથી પણ ફેક ન્યુઝના દુષણ પર મહદઅંશે અંકુશ લાવી શકાશે પરંતુ અહીં પણ એક પ્રશ્ર્ન તો યથાવત રહે છે કે સમાચાર સાચા છે કે ખોટા તેની ખરાઈ કઈ રીતે કરવી તેના કોઈ માપદંડ સામાન્ય પબ્લીક પાસે હોતા નથી ત્યારે ફેક ન્યુઝનું આ દુષણ તુરંત દુર થઈ જાય તેવી કોઈ શકયતાઓ જણાઈ રહી નથી.

(2:26 pm IST)