Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

હોય નહીં....મોદી સરકારની કિસાન સન્માન નિધિ યોજનાના ૫.૩૮ લાખ લાભાર્થીઓ નકલી : ૬૧ કરોડ પરત વસુલાયા

નવી દિલ્હી : કોઈ વિચારી પણ ન શકે છે મોદી સરકારની ફૂલ પ્રૂફ સિસ્ટમમાં પણ છેતરપીંડી થઈ શકે. પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમમાં ખોટી રીતે રૂપિયા કાઢવાને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં જે પરિણામ આવ્યું તેને લઈને સરકારની ચિંતા વધી છે. તમિલનાડુમાં ૫.૯૫ લાખ લાભાર્થીઓના એકાઉન્ટની તપાસમાં ૫.૩૮ લાખ લાભાર્થીઓ નકલી મળ્યા છે.

હવે સંબંધિત બેંકોની મદદથી નકલી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થયેલી રકમને વસૂલવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેથી આ રૂપિયા કેન્દ્ર સરકારના એકાઉન્ટમાં પાછા આવે અને તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થઈ શકે. અત્યાર સુધીમાં ૬૧ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ૯૬ કોન્ટ્રાકટ કર્મચારીઓની સેવા સમાપ્ત થઈ છે, જે લાભાર્થીઓ નકલી છે તેમના રજિસ્ટ્રેશનને માટે ૩૪ અધિકારીઓ વિરુદ્ઘ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ૩ બ્લોક સ્તરના અધિકારીઓ અને ૫ સહાયક કૃષિ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. આ લોકો પાસવર્ડનો દુરઉપયોગ કરવા માટે જવાબદાર હતા. ૧૩ જિલ્લામાં એફઆઈઆર કરીને કર્મચારીઓ સહિત ૫૨ લોકોની ધરપકડ કરાઈ છે. ભવિષ્યમાં આવી ઘટનાને રોકવા માટે રાજય સરકારે કેન્દ્રની સાથે વિચાર કરીને એક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરીને પ્રણાલીને સુદ્રઠ કરવાનું કામ શરૂ કર્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય કિસાન પરિવારની ઓળખ કરીને તેમની જવાબદારી રાજય સરકાર લેશે.

પીએમ મોદીની ડ્રીમ સ્કીમમાં છેતરપીંડીની રીતે કરોડો રૂપિયા કાઢવાની વાત સામે આવ્યા બાદ રાજય સરકારે તપાસ કરી છે. તેનાથી ખ્યાલ આવ્યો કે કેટલાક બેઈમાન લોકોએ સ્કીમના આધારે અયોગ્ય વ્યકિતઓની મોટી સંખ્યામાં બુકિંગ કરવાને માટે જિલ્લા અધિકારીઓના લોગ ઈન આઈડી અને પાસવર્ડનો દુરઉપયોગ કર્યો હતો. કૃષિ વિભાગ દ્વારા રખાયેલા કોન્ટ્રાકટ કર્મચારી પણ આ ગેરકાયદેસર કામમાં સામેલ હતા. રાજય સરકારે તત્કાલ જિલ્લા અધિકારીના પાસવર્ડ બદલ્યા છે. જેથી આ છેતરપીંડીને વધતી અટકાવી શકાય.

(2:59 pm IST)