Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ

અમે અસામાજીક પ્રવૃતિ ડામવા કટીબદ્ધ છીએ, સખ્ત કાર્યવાહી કરી છે, કરતા રહેશું : આઈજી શ્રી સંદીપસિંહ

રાજકોટ, તા. ૨૪ : જામનગરના પોલીસ વડા તરીકે શ્રી દિપેન ભદ્રાનની વરણીને આવકારતા રાજયસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ ટ્વીટર હેન્ડલ ઉપર લખ્યુ છે કે તમારી સકારાત્મકતા જામનગરના કાનુનપ્રીય નાગરીકોને, જમીન માલિકોને, બિલ્ડરોને, ધંધાર્થીઓને, વેપારીઓને, ફેકટરી માલિકોને મોટી રાહત પહોંચાડાશે.

શ્રી પરિમલભાઈએ ખૂબ જ વ્યથિત અને આક્રોશથી જણાવેલ કે જામનગરની ઈમેજ શાંતિપ્રીય તરીકે હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જયેશ પટેલના કરતુતોથી ચારેકોર ભય ફેલાયો છે. વેપારીઓ, બિલ્ડરો સહુ કોઈ ભયભીત બન્યા ે. બેફામ માફીયાગીરી વધી છે, કોઈનો પણ ધંધો સારો ચાલે એટલે માફીયાગીરી શરૂ થાય, ફોન આવે, લાખો - કરોડોની રકમમાં નાણા પડાવાય છે. વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો કહે છે કે અમારે જામનગરમાં રહેવું કઈ રીતે, ધંધો - વેપાર કેમ કરવો?

શ્રી પરિમલભાઈ નથવાણીએ જણાવેલ કે જામનગર રેન્જ આઈજી પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે. ચોક્કસ પોલીસો પણ આ માફીયાના ખબરી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. જે ભયજનક છે. આઈજીની પૂરી જવાબદારી છે, એવું કહે છે કે મારી પાસે કોઈ ફરીયાદ આવે તો જોઈ લઉં છંુ. પરિમલભાઈ કહે છે કે તો પછી લોકો ભયભીત કેમ છે? કેમ આટલા કેસો છતા જયેશ પટેલ બિન્દાસ્ત વરતી રહેલ છે.

લોકો ભય વિના કામ કરી શકે તે તેમની ફરજ છે. જયેશ પટેલ દૂર બેઠા બેઠા જામનગરમાં ભય ફેલાવે તે હરગીઝ ન ચાલે. તેમણે કહ્યું ૧૫ થી ૨૦ બનાવોમાં લાખો - કરોડો ખંખેર્યા છે. ત્યારે આ માફીયાને કોનું રક્ષણ છે? તેમણે આશા દર્શાવેલ કે જામનગરના નવા પોલીસ વડા સત્વરે લોકોનો ભય દૂર કરવા આકરા પગલાઓ જરૂર લેશે.

તેમના કહેવા મુજબ જામનગરના પ્રતિષ્ઠિત વર્ગમાં વેપારીઓ, બિલ્ડરો સહિતના ધંધાર્થીઓમાં ભારે ખોફ પ્રવર્તે છે.

તેમનો સીધો ઈશારો પોલીસ તંત્ર દ્વારા માફીયાઓને છાવરવામાં આવતા હોવા તરફ હતો.

પરિમલભાઈના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ

આજે આંધ્રના સાંસદ અને રિલાયન્સ પરિવારના શ્રી પરિમલભાઈ નથવાણીએ ટ્વીટ કરી રાજકોટ - જામનગર સહિતના વિસ્તારોના રેન્જ આઈજીના નામજોગ ગંભીર વિસ્ફોટ કરતા કહ્યંુ છે કે મને ખબર નથી આ વાત સાચી છે કે ખોટી, પરંતુ કેટલાક લોકોને શંકા છે કે રેન્જ આઈજી સંદિપ સીંઘે ભૂતકાળમાં કેટલાક રાજકારણીઓ સાથેની સાંઠગાંઠથી ગુન્હેગારોની તરફેણમાં કેટલાક કેસો 'સેટલ' કર્યા હતા. તેમના આ ટ્વીટે મોટો વિસ્ફોટ અને ભડકો સર્જયો છે.

અમે અસામાજીક પ્રવૃતિ ડામવા કટીબદ્ધ છીએ, સખ્ત કાર્યવાહી કરી છે, કરતા રહેશું : સંદીપસિંહ

રાજકોટના રેન્જ આઈજી શ્રી સંદિપસિંઘે અકિલાને જણાવેલ કે કોઈપણ અસામાજીક પ્રવૃતિ ડામવા અમે કટીબદ્ધ છીએ. અમે કડક પગલાઓ લીધા જ છે અને ભવિષ્યમાં પણ લેતા રહીશુ. વિવાદોથી હંમેશ દૂર રહેલા શ્રી સંદિપસિંઘે મક્કમતાથી કહેલ કે આજ દિવસ સુધી અમે સમાજ વિરોધી તત્વો સામે આકરા પગલા લીધા જ છે, અને લેતા રહીશુ તેમ તેમણે કહ્યુ હતું.

(6:40 pm IST)