Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ખેડૂતોને કંપની બનાવવા ૧૫ લાખની સરકારી સહાય મળશે

પીએમ કિસાન એફપીઓ યોજના ૨૦૨૦ : સરકારે હજી સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ નથી કરી, ટૂંકમાં શરુ થનારી યોજનાનો લાભ સમગ્ર દેશના ખેડૂતોને થશે

નવી દિલ્હી,તા.૨૩ : સરકારે ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. હવે ખેડૂતોને ૧૫ લાખ રૂપિયા સુધીની આવક થશે. જો કે, તેને મેળવવા માટે ઘણી શરતો રાખવામાં આવી છે અને એ શરતોના આધારે જ રૂપિયા આપવામાં આવશે. આ યોજનાને પીએમ કિસાન એફપીઓ યોજના ૨૦૨૦ નામ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આનાથી ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આ યોજના પર સરકાર વર્ષ ૨૦૨૪ સુધીમાં ૬,૮૬૫ કરોડ રૂપિયા ખર્ચ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને આર્થિક રાહત આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેથી, ખેડૂતો વચેટિયાઓથી મુક્ત થઈ શકે. તેનો અર્થ ફોર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે ખેડૂત ઉત્પાદક સંસ્થા છે. ૧૫ લાખ રૂપિયા માટે તમારે એક એફપીઓ બનાવવો પડશે.

             તેમાં ખેડૂતોનું ગ્રૂપ હશે. આ ગ્રુપને ૧૫ લાખ રૂપિયા મળશે. આ ગ્રૂપમાં ઓછામાં ઓછા ૧૧ ખેડૂત હોવા જોઈએ. આ ૧૧ ખેડૂતોએ કોઈ સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે. આ યોજનામાં જે પણ ગ્રૂપનો ખેડૂત હશે તેને અનેક પ્રકારના લાભ મળશે. દેશના ખેડૂતોને ખેતીમાં બિઝનેસ જેવા લાભ આપવામાં આવશે. ખેડૂતોને ખેતીને ધંધામાં પરિવર્તિત કરવાની તક આપવામાં આવી રહી છે. ના, એગ્રી કંપની બનાવ્યા પછી ૧૧ ખેડુતોએ કંપની એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ કંપનીએ પ્રોડ્યુસરના લાભ માટે કામ કરવું પડશે. આ જ પ્રકારની સંસ્થાઓને ૧૫ લાખ રૂપિયા મળશે. દેશના તમામ રાજ્યોના ખેડૂતોને તેનો લાભ મળશે. તમે ગમે તે રાજ્યમાં હો સંસ્થા બનાવી શકો છો. જો ખેડૂતો મેદાન વિસ્તારના હશે તો ૩૦૦ ખેડૂતોને તમારી સાથે જોડવા પડશે. જો ઉત્તરાખંડ અથવા અન્ય પર્વતીય વિસ્તારોના હોય તો ૧૦૦ ખેડૂતોને જોડવા પડશે. સરકારે હજી સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ નથી કરી. તેથી, થોડા સમય પછી જ્યારે સરકાર તેને પૂર્ણરૂપે શરૂ કરશે ત્યારે તમે તેના માટે અરજી કરી શકો છો. ટૂંક સમયમાં જ આ વિશે નોટિફિકેશન આવી શકે છે.

(7:24 pm IST)