Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કસાબ જેવી ટ્રેનિંગ સાથે ચાર આતંકીઓ દેશમાં ઘૂસ્યા હતા

નગરોટામાં આતંકી હુમલાને નિષ્ફળ બનાવાતા ખુલાસો : માર્યા ગયેલા ચારેયને પાકિસ્તાનમાં તાલીમ મળી હતી અને ભારતમાં હુમલા માટે સરહદ પાર કરી હતી

જમ્મુ, તા. ૨૩ : જમ્મુ અને કાશ્મીરના નગરોટામાં આતંકવાદી ષડયંત્ર અસફળ કરી દેવામાં આવ્યું છે. જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદી કંઈ કરી શકે એ પહેલા જ તેમનો ખાત્મો કરી દેવામાં આવ્યો. જેવી શંકા હતી, આતંકવાદીઓ પાસે પાકિસ્તાનમાં બનેલી ચીજો મળી છે. એ સ્પષ્ટ છે કે તેમને પાકિસ્તાનમાં જ ટ્રેનિંગ મળી હતી અને ભારતમાં હુમલો કરવા માટે સરહદ પાર કરીને આવ્યા હતા. નગરોટાના આતંકવાદીઓનું ટ્રેનિંગ મોડ્યૂલ ઘણી હદ સુધી ૨૦૦૮ મુંબઈ હુમલામાં પકડાયેલા અજમલ કસાબની ટ્રેનિંગથી મળતુ આવે છે.

આ આતંકવાદીઓને અત્યંત સખ્ત ટ્રેનિંગ બાદ સરહદ પાર કરાવવામાં આવે છે. આ ટ્રેનિંગ અનેક તબક્કાઓમાં ચાલે છે અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આખું વર્ષ કેમ્પ ચાલે છે. ભારતીય સેનાએ વર્ષ ૨૦૧૮માં જમાત-ઉદ-દાવાના એક આતંકવાદી જૈબુલ્લાહને પકડ્યો હતો. તેણે આતંકવાદીઓની ટ્રેનિંગના આખા ષડયંત્રને સામે રાખી દીધું હતુ. આતંકવાદીઓને તૈયાર કરનારાઓ ૧૫-૨૦ વર્ષના યુવાનોને જિહાદનો ભાગ બનાવે છે અને પોતાના બલિદાન માટે બોલાવે છે.

તેમનું નામ, સરનામું અને ફોન નંબર લેવામાં આવે છે. ટૉપર પર સંગઠનનો ચીફ હોય છે અને નીચે ઝોનલ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, ટાઉન અને સેક્ટર લેવલ પર ભરતી કરનારા રહે છે. આમાં ટ્રેનિંગ આપનારાઓને મસૂલ અને સૌથી નીચેના લેવલવાળાઓને કાકરૂન કહેવામાં આવે છે. નવા છોકરાઓને લગભગ ૨ વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે. નવા છોકરાઓ માટે મસૂલ મદરેસાના બાળકોને પસંદ કરે છે અને તેમને લાહોરના મુરીદકે સ્થિત સેન્ટર પર લાવે છે. પકડાયેલા આતંકવાદીએ ૬ ટ્રેનિંગ લોકેશન્સ વિશે જાણકારી શેર કરી અને જણાવ્યું કે આ સેન્ટરને મસકર કહેવામાં આવે છે. આ સેન્ટર્સ છે મનશેરામાં તારૂક (૨ મહિના), ડૈકેન (૫ મહિના), અંબોરે (૨ મહિના), અક્સા (૨ મહિના), ખૈબર (૨ મહિના) અને મુરીદકે. દરેક સેન્ટર પર પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈના લોકો મદદ માટે હાજર રહે છે. આ મૉડ્યૂલ પૂર્ણ થયા બાદ સંગઠનનો મુખિયા આતંકવાદી છોકરાઓ સામે હાજર થાય છે. ૨૦૦૮માં મુંબઈમાં ફિદાયીની હુમલો કરનારા આતંકવાદીઓને પણ પાકિસ્તાનમાં ટ્રેનિંગ મળી હતી. જીવતા પકડાયેલા આતંકવાદી કસાબે જણાવ્યું હતુ કે, લશ્કર-એ-તૈયબાની ઑફિસના ગેટ પર પહોંચ્યો ત્યારે તેની તપાસ કરતા ગુટખા મળી હતી અને તેને કહેવામાં આવ્યું કે, આજ પછી તારા ખિસ્સામાં ગુટખા મળવી ના જોઇએ. ત્યારબાદ તેણે ગુટખા છોડી દીધી. કસાબની શરૂઆતની ટ્રેનિંગ મુરીદકે કેમ્પમાં થઈ હતી.

(12:00 am IST)