Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ભોજનમાં અરુચિ, અશકિત, કામમાં મન લાગી રહ્યુ ન હોવાની ફરિયાદો

પોસ્ટ કોવિડ વ્યકિતઓની ડાયેટિશિયન પાસે ડાયેટ પ્લાન માટે દોટઃ કોરોનાને માત કરી આવેલી વ્યકિતઓએ રોજ ૧૦૦ ગ્રામ ઉપરાંત પ્રોટિન લેવું જરૂરી

મુંબઇ તા. ર૪ :.. કોરોનાને હરાવીને આવેલા વ્યકિતઓનાં શરીરમાં અશકિત, ભોજનમાં અરૂચી અને કામમાં મન લાગતુ નહી હોવાની ફરીયાદ સાથે ડોકટર પાસે દોડી ગયેલાઓને આખરે ડાયેટીશયન પાસે સલાહ લઇ તે મુજબ ખોરાક આરોગવાની સલાહ અપાય છે. ડાયેટીશયન પાસે ડાયેટ પ્લાન કરાવવા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

કોવિડ-૧૯ એ પ્રોટીન વાયરસ છે. કોરોના થતા જ કોરોનાના દર્દીમાંથી પ્રોટીન ઓછુ થઇ જાય છે. આ વ્યકિત કોરોનાથી મુકત થયા પછી તેમના માટે નવી સમસ્યા ઉભી થાય છે. જેમાં આ વ્યકિતઓને ભોજનમાં અરૂચિ થાય છે.શરીરમાં અશકિત લાગે છે. અને કામ કરવામાં મન લાગતુ નથી. આવી વ્યકિતઓ પુનઃ ડોકટર્સ પાસે દોડી જાય છે. ત્યારે તેમને ડાયેટીશન પાસે મોકલવામાં આવે છે.શહેરની ડાયેટીશન ધ્રુવી ચોકસીએ જણાવ્યું હતું કે પોસ્ટ કોવિડ દર્દીઓ ઉપરોકત ફરીયાદ સાથે આવે છે. આ સંખ્યામાં ઘણો જ વધારો નોંધાયો છે. આવી વ્યકિતઓને રોજ ૧૦૦ ગ્રામથી વધુ પ્રોટીન લેવા માટેની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત ભોજનમાં એક સામટુ નહી પરંતુ દિવસમાં ૬ થી ૭ વાર ભોજન લેવાની પણ સલાહ અપાય છે. જેમાં શિયાળો હોવાથી લીલાશાકભાજી, ફ્રુટ, કઠોળ, ડ્રાયફ્રુટ, રોજ સવાર-સાંજે દૂધ, વીટામીન સૌ માટે આમળા અને ચ્યવનપ્રાસ લેવાની સલાહ આપવામાં આવે છે. જયોર નોનવેજ ખાનાર વ્યકિતોએ પ્રમાણસર માંસાહાર ભોજનમાં લઇ શકે છે. આ સાથે ચીઝ અને બટર પણ સમપ્રમાણ લેવું જોઇએ. (પ-૮)

પોસ્ટ કોવિડ ન્યુટ્રિશિયનની નવી બ્રાન્ચનો ઉદય

કોરોનાના લીધે ઘણી બધી સામાજીક વ્યવસ્થા બદલાઇ ગઇ છે. જયારે આરોગ્ય ક્ષેત્રે પણ અનેક બદલાવ આવ્યા છે. લોકો કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ તરફ પણ વળ્યા છે. જયારે પ્રાણાયામ અને કસરત કરતા વ્યકિતઓની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે. ત્યારે કોરોનાથી મુકત થયા પછી કેટલીક હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ વ્યકિતને છેલ્લુ કન્સલટન્ટ ડાયેટીશનનું જ હોય છે. અગાઉ ડાયાબીટીસ, મેદસ્વી વ્યકિત કે હૃદયરોગના દર્દી માટે ડાયેટ પ્લાન ડાયેટીશીયન પાસે તૈયાર કરાતો હતો હવે પોસ્ટ કોવિડની વ્યકિતઓ માટે ડાયેટ પ્લાન તૈયાર થઇ રહ્યો છે. જેના લીધે પોસ્ટ કોવિડ ન્યુટ્રીશીયનની નવી બ્રાન્ચનો ઉદય થયો છે.

(11:52 am IST)